પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો

મહેસાણા, તા.૦૧ 

મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે.

પ્રમુખે તા.30મીએ ટીપી બેઠક અંગે પ્રાંત અધિકારી, નગર નિયોજક, મામલતદાર અને ચીફ ઓફિસરને એજન્ડા મોકલ્યો હતો. જિલ્લા કલેકટરને પણ આ પત્ર કરાયો હતો. જોકે, પાલિકામાં ટીપી કમિટીનું ગઠન થયેલું છે કે કેમ તે અંગે નગર નિયોજકે પાલિકાને પત્રથી પૂછયું હતું. જેમાં પ્રમુખે નિયમોનુસાર કમિટીનું ગઠન થઇ શક્યું ન હોઇ બેઠકમાં હાજર રહેવા નગર નિયોજકને વિનંતી પત્ર કર્યો હતો. જોકે, સોમવારે પ્રમુખ ચેમ્બરમાં રાહ જોઇ બેસી રહ્યા પણ ચીફ ઓફિસર સવારે ઓફિસ આવીને અન્યત્ર કામે ચાલ્યા ગયા હતા. પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, પ્રાંત કે નગર નિયોજકમાંથી કોઇ બેઠકમાં આવ્યુ નહોતું. આથી પ્રમુખે જાતે જ ફાઇલોના નિકાલ માટેની જરૂરી પ્રક્રિયા કરી હતી.

ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું કે,મારે બીજી જગ્યાએ જવાનું થયું હતું. નગર નિયોજક ચૂંટણી ઓબ્ઝર્વરના લાયઝનિંગમાં મૂકાયા હોવાનું ચર્ચામાં જાણવા મળ્યું છે. પ્રમુખે બેઠકમાં શું નિર્ણય કર્યો તે ખબર નથી, જાણ્યા પછી જ કંઇ કહી શકાય.

પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે, 30 જૂન પહેલાં ઓફલાઇનમાં બાંધકામ પરવાનગી માટે આવેલી 178 ફાઇલોનો પ્રજાહિતમાં ત્રણ શરતે નિકાલ કર્યો છે. માલિકના પુરાવાની પ્રાંત અધિકારીએ ચકાસણી કરવાની, અરજીમાં દર્શાવેલ નકશા નગર નિયોજકે ચકાસણી કરી મંજૂર કરવાના રહેશે. આ શરતો પૂર્ણ થયા બાદ પાલિકાના સીઓએ રજાચિઠ્ઠી આપવાની રહેશે. બેઠકમાં ન આવવા બાબતે કોઇનો લેખિત રિપોર્ટ આવ્યો નથી.