અમદાવાદ, તા.3
બોગસ વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી અમેરિકાના વિઝા મેળવવાના એક રેકેટમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ મુંબઈના એજન્ટ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. મુંબઈના એજન્ટ પાસેથી મળી આવેલા 159 પાસપોર્ટ અને છુટા કરાયેલા તેમજ વિસા-ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટના પાનાના આધારે સુરતના એક દંપતિએ ખોટી રીતે અમેરિકાના વિસા મેળવ્યા હોવાની હકિકત સામે આવતા એક અન્ય ગુનો નોંધવામાં આવ્યો છે.
અમેરિકન કોન્સ્યુલેટના અધિકારીએ ગત મે મહિનામાં સીઆઈડી ક્રાઈમને છેતરપિંડીની ફરિયાદ આપી હતી. જે કેસમાં ગાંધીનગરના હસમુખ ચૌધરી, તેની પત્ની નિષ્મા, સ્થાનિક એજન્ટ મોતી ચૌધરી અને મુંબઈના એજન્ટ નૌશાદ મુસા સુલતાનની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી હતી. એજન્ટ નૌશાદ સુલતાન પાસેથી 159 પાસપોર્ટ, વિસા-ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટના છુટા પેજ, બોગસ આધાર કાર્ડ, આઈટી રિર્ટન, ક્રેડીટ-ડેબિટ કાર્ડ સહિતના દસ્તાવેજો કબ્જે લીધા હતા. નૌશાદ મુસા સુલતાન પાસેથી મળી આવેલા પાસપોર્ટ અને તેના છુટા પાનાઓમાં ઈમરાન અહેમદ પટેલના યુ.કે. વિસાવાળુ એક પેજ પોલીસને મળી આવ્યું હતું. જેની અમેરિકન કોન્સ્યુલેટમાં પાસપોર્ટ નંબરના આધારે તપાસ કરતા ઈમરાન અને તેની પત્નીના અમેરિકન કોન્સ્યુલેટે વિસા ગ્રાન્ટ કર્યા હોવાની માહિતી મળી હતી.
સુરતના ઈમરાન અહેમદ પટેલની સીઆઈડી ક્રાઈમે પુછપરછ તપાસ કરતા ભરૂચના એજન્ટ રિઝવાન મોહંમદસફી મોયાવાલા સાથે 6 લાખ રૂપિયામાં યુએસના વિસા માટે ડીલ નક્કી કરી હતી. ઈમરાન પટેલ ચાઈના અને થાઈલેન્ડ નહીં ગયો હોવા છતાં તેણે એજન્ટને પાસપોર્ટમાં બોગસ ઇમિગ્રેશન સ્ટેમ્પ મારવા માટે મંજૂરી આપી હતી. અમેરિકન કોન્સ્યુલેટમાં વિસા મેળવતી વખતે યુ.કે.ના બોગસ વિસાવાળુ પેજ કાઢી લેવામાં આવ્યું હતું.