અમદાવાદ, તા.29
અમેરિકાના વિઝા અપાવતા મુંબઈના એક એજન્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. તેની પાસેથી સીઆઈડી ક્રાઈમે 102 ભારતીય પાસપોર્ટ, પાસપોર્ટમાંથી છૂટા પાડેલા 26 પેજ, 10 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 બોગસ આધાર કાર્ડ અને એક બોગસ પાનકાર્ડ જપ્ત કર્યાં છે.
ઝડપાયેલો મુંબઈનો એજન્ટ નૌશાદ મુસા સુલતાન લોકોને અમેરિકાના વિઝા મેળવવા માગતા લોકોના પાસપોર્ટમાં યુ.કે.ના બોગસ વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી આપતો હતો.
ગાંધીનગરના હસમુખ ચૌધરી અને તેમનાં પત્ની આ પ્રકારના પાસપોર્ટ પર અમેરિકા ગયાં હતાં, જ્યાં એરપોર્ટ પર તેમના પાસપોર્ટ પર યુ.કે.ના બનાવટી વિઝા અને ઈમિગ્રેશન અરાઈવલ અને ડિપાર્ચરના બોગસ સ્ટેમ્પ હોવાનું સામે આવી ગયું હતું. આ નકલી વિઝા-સ્ટેમ્પ અંગે અમેરિકન કોન્સ્યૂલેટના અધિકારીએ ભારતમાં સીઆઈડી ક્રાઈમમાં આ અંગે અરજી કરી હતી, જેના પરથી ચૌધરી દંપતી અને સુરતના મોતીલાલ ચૌધરી નામના એજન્ટને ઝડપી લેવામાં આવ્યાં હતાં.
ત્રણેયની પૂછપરછમાં મુંબઈના એજન્ટ નૌશાદનું નામ સામે આવ્યું હતું, જેણે અમેરિકાના વિઝા મળે તો રૂ.45 લાખ લેવાનું નક્કી કર્યું હતું. સીઆઈડી ક્રાઈમ પાસે નૌશાદનું નામ સિવાય કોઈ માહિતી નહોતી, પણ તપાસના અંતે તેમનો હાથ નૌશાદ સુધી પહોંચી ગયો હતો, અને દહીંસરના ભક્તિ કોમ્પ્લેક્સમાંથી સીઆઈડી ક્રાઈમની ટીમે નૌશાદને ઝડપી લીધો હતો.
તપાસમાં એજન્ટ નૌશાદ પાસેથી નકલી દસ્તાવેજ, 102 પાસપોર્ટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, નકલી આધાર કાર્ડ અને પાનકાર્ડ જપ્ત કરાયાં હતાં. નૌશાદની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અમેરિકાના વિઝા અપાવવા માટે તે લોકોના પાસપોર્ટ પર બનાવટી વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી દેતો હતો, જેથી વિઝા ઓફિસરને તેઓ અગાઉ યુ.કે.નો પ્રવાસ કરી ચૂક્યા હોય તેવું લાગે અને સરળતાથી અમેરિકાના વિઝા મળી જાય. આ સ્ટિકર અને ઈમિગ્રેશન સ્ટેમ્પ ક્યાંથી બનાવડાવ્યા તે અંગે નૌશાદની હાલમાં પૂછપરછ ચાલી રહી છે.