અમદાવાદ : પાનના ગલ્લે મળેલા એજન્ટ થકી ન્યુ રાણીપના એક એસ્ટેટ બ્રોકરે તેની પત્ની અને પુત્રીના યુકેના વિઝીટર વિઝા મેળવ્યા છે. એજન્ટ ટોળકીને રૂપિયા પડાવવા પટેલ પરિવારના સભ્યોના વિસાવાળા પાસપોર્ટ ટિકીટ કરાવવાના બહાને મેળવી લઈ દબાવી દીધા છે. આ મામલે સાબરમતી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.
મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામના કલ્પેશ બળદેવભાઈ પટેલ (રહે. શ્રીધર બંગલોઝ, કલાસાગર હાઈટસ સામે, ન્યુ રાણીપ) એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરે છે. સાડા ચાર મહિના પહેલા કલ્પેશ પટેલને ઘર નજીક પાનના ગલ્લે મળેલા પરીમલ ઉર્ફે મયો રમણલાલ પટેલે (રહે.કૃષ્ણમ સ્ટેટસ, ન્યુ રાણીપ) યુ.કેના. વિઝીટર વિસા અપાવવાની ખાતરી આપી હતી. કલ્પેશભાઈ, તેમની પત્ની કાજલબહેન અને પુત્રી વિધી (ઉ.9)ના વિસા ખર્ચ ઉપરાંત 70 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. ગત માર્ચ મહિનાની પહેલી તારીખે કલ્પેશભાઈને પાલડી યુકે વીએફએસ ઓફિસ ખાતે પરીમલ ઉર્ફે મયો, નેલ્સન ક્રિશ્ચીયન (રહે. મહેમદાવાદ, ખેડા), અરવિંદ પટેલ (રહે. ન્યુ રાણીપ) અને અજાણ્યો શખ્સ મળ્યા હતા. કલ્પેશ પટેલે પરિવારના પાસપોર્ટ વીએફએસ ઓફિસમાં સબમીટ કરી 35 હજાર રૂપિયા વિસા ફી ભરી હતી. 11 માર્ચના રોજ પટેલ પરિવારને વિસા સાથેના પાસપોર્ટ મળ્યા હતા. પરીમલ ઉર્ફે મયોને કલ્પેશ પટેલે કન્સલટન્સી પેટે 60 હજાર રોકડા આપ્યા હતા તેમજ ટિકીટ કરાવવા માટે પાસપોર્ટ આપ્યા હતા.