પિતાને લકવો થયો હોવા છતાં મને સસ્પેન્ડ કરી : પાટણના મહિલા કોર્પોરેટર

પાટણ, તા.૧૩

પાટણમાં પાલિકાની સામાન્ય સભામાં ગેરહાજર રહેલ મહિલા કોર્પોરેટરોને જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા જેમાં એક મહિલા કોર્પોરેટર તેમના પિતાને લકવાની અસર થઇ ગઇ હોઇ જવું પડશે તેમ કહીને ગયા હતા પણ છતાં કિન્નાખોરીથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જણાવ્યું છે.

કોર્પોરેટર હંસાબેન ભોગીલાલ પરમારે જણાવ્યા મુજબ પાલિકાની સભા મળી તેના આગલા દિવસે કોંગ્રેસ પક્ષની સંકલન બેઠકમાં તેઓ હાજર હતા તેમાં તેમના પિતાને લકવાની અસર થઇ હોવાથી તેમને પીયર જવું પડશે પણ પાછા આવી જઇશ તેમ કહીને ચવેલી ગામે ગયા હતા અને બીજા દિવસે બોર્ડની મીટીંગ હોઇ પાટણ આવી ગયા હતા પણ સમયસર પહોંચી શક્યા નહોતા અને મામલતદાર કચેરી પાસે પહોંચતાં બોર્ડ મુલતવી રહ્યાની જાણ થઇ હતી.

જોકે તેમ છતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ માટે કોઇ નોટીસ પણ અપાઇ નથી કે ખુલાસાની તક પણ આપી નથી. આ અગાઉ બીજાં સભ્ય મુમતાજબાનું શેખે પણ તેઓ બીમાર હોવાનું કારણ જાહેર કર્યું હતું. જોકે આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે કહયું કે બહેનોએ ખુલાસો કરવો જોઇએ. તેમને હજુ ખુલાસો મળ્યો નથી.