અમરેલી, તા:૦૩ એસઓજી અને અમરેલી સિટી પોલીસે પિતા પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી માગનારી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે.
તાલાલામાં રહેલા નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં રહીને નોકરી કરતી હતી, જેણે પોતાના જ અપહરણનું નાટક કરીને તેના મિત્ર પાસે 2.5 કરોડની ખંડણીનો પિતાને ફોન કરાવ્યો હતો. દિશા વડોદરાથી પરત અમરેલી આવવા નીકળી હતી, જે મુજબ દિશાએ અમદાવાદથી અમરેલી આવતાં તેનું અપહરણ થયું હોવા અંગે પરિવારને ફોન કર્યો હતો, અને અપહરણકાર રૂ.2.5 કરોડ માગતા હોવાનું જણાવી તેના મિત્ર દ્વારા પરિવારને ધમકી અપાવી હતી.
દિશાએ તેના ભાઈને ફોન પર જણાવ્યું હતું કે, તેને અમદાવાદમાં જ કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવી છે
ત્યાર બાદ આરોપી પુત્રી દિશાએ તેના પિતા નગાભાઈને અપહરણકારો રૂ.2.5 કરોડની માગણી કરતા હોવાનું જણાવ્યું હતું, ત્યાર બાદ દિશાએ તેના મિત્ર પાસે જ હિન્દીમાં નાણાં અંગે ધમકી અપાવી હતી. આખરે પિતા નગાભાઈ પુત્રીની સલામતી અંગે નાણાં આપવા તૈયાર થયા હતા, જેથી નાણાં લઈ અમરેલી-ધારી રોડ પર આવવા માટે કહેવામાં આવ્યું હતું.
આ દરમિયાન નગાભાઈએ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરતાં નાણાં લેવા આવેલા આરોપીઓને એસઓજી અમરેલી સિટી પોલીસે ઝડપી લીધા હતા, જેમની પૂરપરછમાં દિશા અને આકાશ નામના યુવાને પ્રેમલગ્ન કરી લીધાં હોવાનું જણાયું હતું, અને દિશાના કહેવાથી જ પિતા નગાભાઈ પાસેથી રૂ.2.5 કરોડની ખંડણી મગાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઉપરાંત સમગ્ર ઘટના દરમિયાન દિશા અમરેલીમાં જ હોવાનું પણ જણાયું હતું.