અમદાવાદ, તા.28
અમદાવાદમાં તલાકનો પ્રથમ કેસ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. નિકાહના માત્ર સાડા નવ મહિનાના ટૂંકાગાળામાં જ પિયરમાં રહેતી 23 વર્ષીય પરિણીતાના ઘરે જઈ તલાક આપી દીધા છે. વેજલપુર પોલીસે મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) ઓર્ડિશન 2018, ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરા અલઅમીના સોસાયટી ખાતે રહેતાવ અને તેલનો વેપાર કરતા શકીલ હસુમીંયા શેખની પુત્રી ખૂશ્બુબાનુ (ઉ.23)ના નિકાહ દરિયાપુરમાં રહેતા મજુંર ગુલામનબી શેખના પુત્ર સોહેલ (ઉ.26) સાથે વર્ષ 2018ની તારીખ 11 નવેમ્બરના રોજ થયા હતા.લગ્નના બેએક મહિના બાદ સાસુ મુમતાઝે ખૂશ્બુબાનુને ઘરકામ બાબતે વારંવાર મેણાટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અગાઉ નોકરી કરતા પતિ સોહેલે મોબાઈલ એસેસરીઝનો ધંધો કરવા પત્નીને પિયરમાંથી રૂપિયા લાવવાનું દબાણ કરતા બે લાખ રૂપિયા સસરા શકીલભાઈ શેખે ટુકડે ટુકડે આપ્યા હતા. ત્યારબાદ ખૂશ્બુબાનુને અફેર હોવાનું કહી પતિ સોહેલ ઝઘડો કરી ત્રાસ આપવા લાગ્યો હતો અને ધંધામાં નુકશાન થયું હોવાનું કહી વધુ રૂપિયા પિયરમાંથી લાવવા પતિ દબાણ કરતો હતો. નજીકમાં રહેતી નણંદ પણ ખૂશ્બુબાનુને માનસિક ત્રાસ આપતી અને સાસુ સસરા તેમની દિકરીને છાવરતા હતા. ગત મે મહિનામાં રમઝાન મહિનો શરૂ થયો તે સમયગાળામાં ખૂશ્બુબાનુ બિમાર પડતા તેને સાસરીયાઓએ દવાના પૈસા નથી તેમ કહી કાઢી મુકી હતી. પિયરમાં રહેવા ચાલી ગયેલા ખૂશ્બુબાનુને મળવા તેમનો પતિ સોહેલ ગત 19 ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં ગયો હતો. સોહેલે તેની પત્નીને સાથે આવવું હોય તો એક લાખ લઈને મારી સાથે ચાલ તેમ કહેતા ખૂશ્બુબાનુ રડતા રડતા બીજા રૂમમાં ગયા હતા. જ્યાં પાછળ પાછલ ગયેલા પતિ સોહેલે તલાક તલાક તલાક કહીને છૂટાછેડા આપી સાસરીમાંથી ચાલ્યો ગયો હતો.