પાટણ, તા.૧૭
ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
ચાણસ્માના જીતોડાના ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર સામે ચાણસ્મા પોલીસ મથકે દારૂનો કેસ થયેલ હોઇ તેને પકડવા પીએસઆઇ રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા 12/2/2016 ના રોજ સ્ટાફ સાથે ગયા હતા. જેઓને ઘર તરફ આવતા જોઇ ઘરમાંથી પાઇપ લઇ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો.જેમાં પાઇપ પડાવી લેતાં તેની પત્ની સુરેખાબેને ઘરમાંથી તલવાર લાવી આપી હતી. જેનાથી પણ પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સ.લાલસિંહને ઇજાઓ થતાં દવાખાને ખસેડાયા હતા.
આ ઘટનાનો કેસ પાટણના સેસન્સ જજ ભરત બી. ઉપાધ્યાય સમક્ષ ચાલી જતાં કોર્ટે ધમાજીની પત્નીને નિર્દોષ છોડી મૂકી હતી. જ્યારે ધમાજી સામે હત્યાની કોશિષનો ગુનો પૂરવાર ન થતાં ઇપીકો કલમ 325માં 8 માસ 25 દિવસ સાદી કેદ અને રૂ. 24000 દંડ ન ભરે તો વધુ 1 માસ સાદી કેદ જ્યારે કલમ 323માં રૂ.1000 દંડ ન ભરે તો 15 દિવસ સાદી કેદ ભોગવવા તેમજ દંડ વસુલ આવ્યેથી ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. કેસમાં સરકાર પક્ષે એપીપી એમ.ડી.પંડ્યા અને બચાવપક્ષે વકીલ યુ.આર.કેલાએ દલીલો કરી હતી.