પીઝાનો ઢળતો મિનારા જેટલો ઊંચો છે અમદાવાદનો કચરાનો ડુંગર

પિરાણા ખાતે અમદાવાદ શહેરમાંથી દૈનિક ૪૫૦૦ ટન ઘન કચરો ઠલવવામાં આવી રહ્યો છે. પિરાણામાં કચરાનો ડુંગર ૫૫ મીટરથી વધુની ઉંચાઈ ઉપર પહોંચ્યો જે પીઝાનો ઢળતો મિનારો (57 મીટર) જેટલો થાય છે . અમદાવાદની મુલાકાતે આવી ચુકેલી કેન્દ્રની શહેરી વિકાસ વિભાગની ટીમ દ્વારા પણ અગાઉ અનેક વખત આ કચરાનો નિકાલ તાકીદે કરવા મ્યુનિ.ને સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે.આ તરફ કરોડો રૂપિયા કોન્ટ્રાકટરોને ડોર ટુ ડમ્પ હેઠળ ચુકવવામાં આવતા હોવા છતાં કચરાનો યોગ્ય નિકાલ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવતો નથી.આ મામલે હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં ફરી શાસકપક્ષના સભ્યોએ હૈયાવરાળ કાઢતા ચેરમેનને કહ્યુ,પંદર દિવસે એક વખત મળતી બેઠકમાં પણ જા સોલિડ વેસ્ટના ડાયરેકટર ગેરહાજર રહેતા હોય તો અમારે ફરીયાદ કોને કરવી.

અમદાવાદ શહેરમાં વર્ષ-૧૯૯૭-૯૮થી પિરાણા ખાતે ઘન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.તંત્રની બેદરકારીના કારણે આ કચરાના નિકાલ માટે અત્યાર સુધીના વર્ષોમાં જે કંપનીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે.એ તમામ મ્યુનિ.ને ચુનો લગાવીને જતા રહ્યા છે.પરીણામે આજે ૮૦ થી ૮૫ લાખ ટન ઘન કચરો પિરાણા ખાતે જમા થવા પામ્યો છે.આસપાસના વિસ્તારો જ નહીં છેક પાલડી અને વાસણા સુધી આ કચરાને કારણે હવા પ્રદુષિત બની ગઈ છે,ભૂગર્ભ જળને પણ અસર પહોંચવા પામી છે.છતાં તેનો કોઈ ઉકેલ તંત્ર લાવી શકયું નથી.શહેરમાં ડોર ટુ ડમ્પ હેઠળ કોન્ટ્રાકટરોને કચરાનો નિકાલ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.એમાં પણ કોન્ટ્રાકટરો માટી અને રોડાં નાંખી વજન વધુ બતાવી મહીને લાખ્ખો રૂપિયાના બીલો મંજુર કરાવી દેતા હોવાની ફરીયાદો નજીકના ભૂતકાળમાં થઈ હતી.તેની તપાસ જે તે સમયે શરૂ કરવામાં આવ્યા બાદ તપાસ અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હતી.

શહેરમાં ગત ડીસેમ્બર મહીનાથી સુકો કચરો અને ભીનો કચરો એમ બે અલગ કચરા તારવીને તેનુ સેગરીગેશન કરી નિકાલ કરવાની પધ્ધતિ અમલમાં મુકવામાં આવી છે.છતાં એમાં પણ ધાંધલી કરવામાં આવતી હોવાની ફરીયાદ શાસકપક્ષના સભ્યોએ હેલ્થ કમિટીમાં ચેરમેન સમક્ષ કરી હતી.પણ આ ફરીયાદ સાંભળવા સોલિડ વેસ્ટના ડાયરેકટર જ હાજર ન રહેતાં સભ્યોએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.

પિરાણાની પરિસ્થિતી…

-તંત્રે ૧૬ એજન્સીઓને એક મહીના માટે ત્રણ મશીન કચરાના વર્ગીકરણ માટે ભાડે લેવા રૂપિયા ૬.૪૦ લાખ ચુકવવાના છે.

-દૈનિક ૧૨ હજાર મેટ્રીક ટન કચરાના વર્ગીકરણનો તંત્રનો દાવો છે.

-હાલ માત્ર બે ટ્રોમેલ મશીન કાર્યરત છે.

-લેન્ડફીલ સાઈટનો ઉપયોગ કરવામાં આવતો નથી.

-૧૫૦૦ મેટ્રીકટન સામે માત્ર ૭૫૦ મેટ્રીક ટન ઈન્વર્ટર ખાલી થાય છે.

-એકસેલ કંપનીનું એક જુનુ મશીન રંગરોગાન કરી કામમા લેવામાં આવી રહ્યુ છે.

-જુના મશીનોમાં વીજ બીલ વધુ આવે છે. આ બીલ મ્યુનિ.આપે છે.

-પેટ્રોલ મશીન કાર્યરત નથી. હવાના પ્રદુષણની સાથે ભૂગર્ભ જળ પ્રદુષિત બન્યા.

-છેક પાલડી અને વાસણા સુધીના વિસ્તારો સુધી એની અસરો જાવા મળી છે.