પીરાણા લેન્ડફીલ સાઈટને કારણે પાંચ વર્ષના માસુમ બાળકનું મોત

અમદાવાદ,તા.૨
અમદાવાદ શહેરના છેવાડે આવેલી અમપાની પીરાણા લેન્ડફીલ સાઈટે એક પાંચ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો છે.એક વર્ષમાં કુલ બે લોકોનો આ સાઈટે ભોગ લીધો છે.જો કે સત્તાવાળાઓ આ મામલે કાંઈપણ કહેવાનુ ટાળી રહ્યા છે.
૨૫ દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી કયુમ અન્સારી તેની પત્ની પુત્રી અને પુત્રને લઈ અમદાવાદ કામની શોધમાં આવ્યો હતો.તે પીરાણા લેન્ડફીલ સાઈટ પાસે રહેતો હતો.શુક્રવારે તેનો પાંચ વર્ષનો માસુમ બાળક સાહીલ ઘર પાસે રમી રહ્યો હતો એ સમયે નજીકના ખાડામાં રમતા રમતા પડી જતા તેને ફેફસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.બાદમાં તેને વધુ સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં  લઈ જવામાં આવતા રવિવારે મોડી સાંજે તેણે પ્રાણ છોડી દીધા હતા.

આ ગંભીર ઘટના એટલા માટે છે કેમકે તે ખાડામાં પડી જતા તેના મોં વાટે ખાડામાં રહેલુ કેમિકલયુકત પાણી શરીરમાં અને ખાસ કરીને તેના ફેફસા સુધી પહોંચી ગયુ હતુ.તેના મોત અંગે એલજી હોસ્પિટલના આસીસ્ટન્ટ આરએમઓ શૈલેષ પ્રજાપતિનુ કહેવુ છે,તેના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ જાણી શકાશે.ગત વર્ષે ઓગસ્ટમાં એક મહીલાનુ પણ લેન્ડફીલ સાઈટ ઉપર કામ કરતી વખતે શ્વાસમાં ઝેરી ગેસ જવાને કારણે સારવાર દરમિયાન મોત થયુ હતુ.સત્તાવાળાઓએ ગણેશ ચતુર્થી અને સંવતસરીની રજાનુ બહાનુ કાઢી ફોન ઉપાડવાનુ પણ ટાળ્યુ છે

પીરાણા લેન્ડફીલ સાઈટ આસપાસનુ પાણી પીવાલાયક નથી

એલડી એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ તેમના પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ લેન્ડફીલ સાઈટની આસપાસના ભૂગર્ભજળના સેમ્પલો લઈને તેની લેબોરેટરી તપાસ કરતા બહેરામપુરા,નગમાનગર,ફૈઝલનગર સહીતના અનેક વિસ્તારોમાં પાણી પીવા લાયક ન હોવાના તારણો સામે આવ્યા છે.મેગનેશિયમની માત્રા પ્રતિ લિટર ૩૦ ગ્રામ હોવી જાઈએ એને બદલે એક સ્થળે ૩૨૦ મીલીગ્રામ જાવા મળી હતી.કેલ્શિયમનુ પ્રમાણ છ ગણુ વધુ જાવામળ્યુ હતુ.તો ટોટલ ડીસોલ્વ સોલ્ટ જેને ટુંકમાં ટીડીએસ તરીકે ઓળખવામાં આવે છે તે ૨.૫ હોવુ જાઈએ તેને બદલે સાતગણુ વધુ જાવા મળ્યુ હતુ.નાઈટ્રેટનુ પ્રમાણ પાંચ ગણુ વધુ જાવા મળ્યુ હતુ.