ગુજરાતમાં રીંછ એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી આવજા કરી શકે તે માટે કુદરતી રસ્તો હોવો જરૂરી છે. આવા રીંછના છુટાછવાયા વિસ્તારો જો જોડાઈ જાય તો સિંહ કરતાં રીંછની ઓછી વસતી છે તે વધારી શકાય તેમ છે. જો તેમ થાય તો માનવ વસતિમાં આવીને રીંછ દ્વારા હુમલા અને ઘર્ષણ થઈ રહ્યાં છે તે ઓછા થઈ શકે તેમ છે.
ગુજરાતમાં હાલ 340થી 350 રીંછની વસતી છે. જે સિંહ કરતાં અડધી છે. વિસ્તાર પણ બે ગણો વધું છે. જે અંગે રહેઠાણોના સંરક્ષણ માટે સરવે કરાયો હતો. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જેસોર, બાલારામ, પોળોના જંગલો, રતન મહાલ અને ઝાંબુઘોડા વચ્ચે, નર્મદા જિલ્લામાં શુલપાણેશ્વર અને આજુબાજુના જંગલો વચ્ચે ઈકોલોજિકલ કોરીડોર બનાવવા રાજ્ય સરકારને ભલામણ કરાઇ હતી. ખોરાક અને પાણીની શોધમાં માનવ વસતીમાં આવતાં રીંછ સહિતના વન્ય પ્રાણીઓને માનવ વિસ્તારમાં આવતા અટકાવી માનવ સાથેના ઘર્ષણો પણ ઘટાડી શકાશે તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.
સરવે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય રીંછ સંરક્ષણ સંસ્થાના અધ્યક્ષ ડો. નિશીથ ધારૈયા તેમજ ઇસરો અમદાવાદના ડો. સી.પી.સીંઘ દ્વારા ત્રણ વર્ષ સુધી અભ્યાસ હાથ ધરાયો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓને તે પૂરા પાડી શકે તેમ છે. એવું ડો.નિશીથ ધારૈયાએ khabarchhe.comને જણાવ્યું હતું.
ફીલ્ડ સરવે
સવારે 5થી રાતના 9 વાગ્યા સુધીના રીંછની જીવનચર્યા પર સરવે કરાયો હતો. સવારે અને રાત્રે પાણી પીવે છે. ત્રણ વર્ષમાં 550 દિવસ સ્થળ પર જઈને કામ કરાયું હતું. જીપીએસ લોકેશન સાથે નોંધ કરાય હતી. કીડા, મકોડા અને ફળફળાદી મધ વગેરે રીંછનો મુખ્ય ખોરાક છે. તેવા સ્થળો શોધી કઢાયા હતા. જીઓગ્રાફીક ઇન્ફર્મેશન સિસ્ટમ દ્વારા ઇકોલોજિકલ કોરીડોરના મોડેલ અને નકશા તૈયાર કરાયા હતા.
ટ્રેપ CCTV કેમેરા ગોઠવાશે
બનાસકાઠાના 574 ચોરસ કિ.મી. વન વિસ્તારમાં રહેલા 120 રીંછ અને અન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે CCTV ટ્રેપ કેમેરા રાખશે. ગુજરાતમાં દરેક વન વિસ્તારમાં આવા 60 સેકન્ડ ફિલ્મ ઉતારી શકે એવા ટ્રેપ કેમેરા ગોઠવવા માટે ક્યારની સૂચના આપી છે. વાલારામ જંગલમાં 59 રીંછ છે અને જેસોરમાં 62 રીંછ છે તો કેમેરાની સમે આવે તેની સાથે જ એક મિનીટ માટે કેમેરા ચાલુ થઈ જાય છે. જેની વિડિયો ફિલ્મ બની જાય છે.
342 રીંછ છે
1916 પ્રમાણે જિલામાં રીંછની વસતી બનાસકાંઠા 120, દાહોદ 107, છોટાઉદેપુર 54, નર્મદા 23, સાબરકાંઠા 18, પંચમહાલ 12 , મહેસાણા 08 એમ કુલ 342 જેટલી વસતી છે. નર્મદાનાં જંગલ વિસ્તાર 7 રીંછનો વધારો નોંધાયો હતો. રીંછની 17 થી વધી 24 થઇ ગઈ હતી. રીંછ શોધવા માટે 5 તાલુકા અને 400 ગામો ખૂંદયા હતા.
વસતી 18 ટકા વધી
2011માં વસતી 290 હતી. જે 2016 સુધીમાં વધીને 342 થઇ છે. રીંછની વસતીમા પણ 18.60 ટકાનો વધારો સુચવે છેનર રીંછનું વજન 100થી 150 કિલો, જ્યારે માદાનું વજન 60થી 90 કિલો હોય છે.
2011માં શું હતું
16થી 18 મે 2011માં વસતી ગણતરી થઈ ત્યારે 293 રીંછ હતા. 5 વર્ષમાં 46 રીંછનો વધારો નોંધાયો હતો. રીંછની વસતિ ગણતરી છેલ્લે મે 2006માં કરવામાં આવી હતી. રીંછની વસતિ 247 હતી. જે 8.41 ટકાનો વધારો બતાવે છે. ગુજરાતમાં રીંછની વસતિ મોટાભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ વડોદરા, દાહોદ પુરતી મર્યાદિત રહી છે. 2006માં જાંબુઘોડા અભ્યારણ્યમાં પ્રથમવાર રીંછની વસતિ નોંધાયેલી હતી.
7 જિલ્લામાં વસતી
જિલ્લા બનાસકાંઠા 90, દાહોદ 105, મહેસાણા 1, નર્મદા 17, પંચમહાલ 11, સાબરકાંઠા 23, વડોદરા 46 કૂલ 293 રીંછ 2011માં હતા.
સુરેન્દ્રનગર, સુરત, તાપી, પાટણ, પોરબંદર, રાજકોટ, નવસારી, વલસાડ, ડાંગ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, ભરૂચ, ભાવનગર, અમદાવાદ, આણંદ, અમરેલી જિલ્લામાં રીંછની વસતી 2011માં ન હતી.
વિશ્વમાં માત્ર ગુજરાતના રીંછ જ માંસાહારી નથી
સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના જ રીંછ એવા છે જે માંસાહારી નથી. ઈન્ટરનેશલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની સ્લોથ બેર એક્સપર્ટ ટીમના અધ્યક્ષ અને રીંછ પર વર્ષોથી સંશોધન કરતા અધ્યાપક નિશિથ ધારૈયાએ જાહેર કર્યું હતું. ભારતમાં અને દુનિયામાં એકમાત્ર ગુજરાતમાં થતા રીંછ માંસાહારી નથી તેઓ પ્રાણી કે માણસનુ માંસ ખાતા નથી. ઉધઈ, કીડા મંકોડા જેવા સાવ નાના જંતુઓ, મધ અને દરેક પ્રકારના ફળ ગુજરાતના રીંછનો મુખ્ય ખોરાક છે.
ગુજરાતના રીંછની બીજી ખૂબી બચ્ચાને પીઠ પર રાખે
ગુજરાતની માદા રીંછ બચ્ચાને જન્મ આપ્યા બાદ દોઢ વર્ષ સુધી પોતાની પીઠ પર જ રાખીને ફરે છે. દુનિયાના અન્ય કોઈ રીંછ આ રીતે પોતાના બચ્ચાનો ઉછેર કરતા નથી.
હુમલા કેમ કરે છે
ગુજરાતના જંગલોમાં લોકો અને રીંછ સહ અસ્તિત્વ ધરાવે છે અમે લાક્ષણિકતા તપાસવામાં આવી હતી. જેમાં માણસો પર આળસુ રીંછ શા માટે હુમલા કરે છે અને માણસ રીંછ પર શા માટે હુમલા કરે છે તેના પાસાઓ બનાસકાંઠા, સાબરકાંઠા અને ઉત્તરના મહેસાણા જિલ્લાઓમાં કરાયા હતા. જેમાં 202 લોકો પર હુમલા થયા હોય એવા પસંદ કરાયા હતા તેમાંથી 71 લોકો કે જે પીડિત હતા તેમની મુલાકાત જીવવિજ્ઞાનીએ લીધી હતી.
2009માં વધું હુમલાં થયા હતા તેથી તે વર્ષ પસંદ કરીને રીંછ શા માટે ક્યારે હુમલો કરે છે તે તપાસવામાં આવ્યું હતું. ચોમાસા (આઠ) દરમિયાન સૌથી વધુ હુમલાઓ થયા હતા. શિયાળાની શરૂઆતમાં (નવેમ્બર) આળસુ રીંછ સામાન્ય રીતે ઓછા હુમલાં કરે છે
ભોગ બનેલા લોકો તેમને જમીન પર અવાજ કરે ત્યારે રીંછ વધારે છંછેડાય છે. મોટા ભાગના માનવ અંગો પર થયેલી ઇજા 52% ટકાનાં પ્રમાણમાં હતી. 38% પગ પર અને મુખ્ય ભાગોમાં ઈજાનું પ્રમાણ 32% હતું. મોટા ભાગના ભોગ પુરુષ હતા. ભોગ બનેલા પુરુષોની ટકાવારી 82% હતી.
પાણીની શોધમાં અથવા તો ઘરોમાં બનતી રસોઈની સુગંધના કારણે રીંછ માનવ વસતીમાં જઈ ચઢતું હોય છે અને ગભરાઈને માણસો પર હુમલો કરી બેસે છે.
હુમલાથી 3ના મોત
બાલારામ-અંબાજી અભ્યારણ વિસ્તારમાં રીંછ દ્વારા 18 માર્ચ 2017માં હુમલામાં એક વનપાલ સહિત ત્રણના મોત થયા હતા. વન વિભાગના બે કર્મચારીઓ સહિત પાંચ લોકોને ઇજા થઇ હતી. ભારે આતંક મચાવ્યા બાદ રીંછને ઠાર મારવામાં આવ્યો હતો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સગાઈ રેન્જ કાર્યક્ષેત્રમાં ખેતરમાં જતી એક મહિલા સહિત 4 લોકો પર રીંછે 20 જૂન 2018માં હુમલો કરતા ઘવાયા હતા.
સાબરકાંઠા ઇડરના જોડકંપા વિસ્તારમાં દૂધ ભરાવવા જતાં પશુપાલક પર રીંછે 21 માર્ચ 2017 હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
અમીરગઢ તાલુકાના ઘાટા ગામે મોડીરાત્રે ખેતરે આંટો મારવા ગયેલા યુવક ઉપર રિંછે હૂમલો કરતાં માથાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
બનાસકાંઠાના અમીરગઢના કેદારનાથમાં સાધુ પર રીંછનો હુમલો કરતા સાધુને લોહિ લુવાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
માઉન્ટ આબુમાં બે દિવસથી રીંછના હુમલામાં ચાર વ્યકિતને ઘાયલ કર્યા હતા.