થોડા સમય પહેલા જ કચ્છમાંથી પૂંછ઼ડી વગરના વાનરના એક કરોડ વર્ષ જૂના અશ્મિ મળી આવ્યા હતા. ભુજના ડુંગરમાંથી જુરાસિક યુગના કરોડો વર્ષ જૂના મહાકાય મગરના ઇંડાના અશ્મિ મળી આવ્યા છે. ધોળાવિરા જેવી 4500 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિ કચ્છની છે.
ભુજના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડના ડુંગરમાંથી મહાકાય મગરના કરોડો વર્ષ જૂના 7 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ઇંડાના અશ્મિ મળી આવ્યા છે. કોચલું અને આંતરિક જરદી જોવા મળે છે. મૂળ માધાપરના રહેવાસી અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા ડોક્ટર હિરજી ભુડીયા તથા જાંબુડીના હરપાલસિંહ જાડેજાએ સંયુક્ત રીતે શોધખોળ કરી હતી. જે દરમિયાન તેને આ ઇંડાના અશ્મિ મળ્યા હતા. ઇંડાનું અશ્મિ 13થી 14 કરોડ વર્ષ જૂના મહાકાય મગરના હોઈ શકે છે. નદી અને સાગરકાંઠો હોવાથી આ મહાકાય મગરો અહીં આવતા હતા.
મગરોને ક્રોકોડાઇલ નહીં પણ ક્રોકોડીનીયલ એટલે કે અર્વાચીન મગરોના પૂર્વજ તરીકે ઓળખવામાં આવે છે. આ મગરો સમુદ્ર કિનારે પોતાના ઇંડાને રેતીમાં છૂપાવીને સેવતા હતા. જ્યારે તેઓ પાણી પીવા માટે આવતા ત્યારે ડાયનાસોરની ડોક પકડીને તેમનો શિકાર કરી નાંખતા હતા. આ વિસ્તારમાં ક્રોકોડીનીયલ્સની ઇંડા સેવવાની વસાહત અહીંથી મળી આવે તેવી શક્યતા છે.