ડિગ્રી એન્જિનિયરિંગમા ખાલી પડેલી ૪૨ હજારથી વધારે બેઠકો માટે છેલ્લા કેટલાય દિવસથી ઓફલાઈન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ઓફલાઈન રાઉન્ડ પૂર્ણ થયા બાદ ૪૧,૭૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે. જેમાં ૨૭૦૦ જેટલી સરકારી કોલેજોની બેઠકોનો પણ સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં હવે સરકારી કોલેજોની બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. આવતીકાલથી ઓફલાઈન રાઉન્ડ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ડિગ્રી એન્જિનિયરિંગમાં ખાલી બેઠકો માટે તા.૫મીથી તા.૯મી સુધી ઓફલાઈન રાઉન્ડ કરવામાં આવ્યો હતો. આ ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે ૭૩૦૦ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કુલ પાંચ દિવસના ઓફલાઈન રાઉન્ડમાં ૩૯૬૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વની વાત એ કે ૭૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યા પછી માત્ર ૯૯૬ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેની સામે ૧૯૫૩ વિદ્યાર્થીઓનો પ્રવેશ અપગ્રેડ એટલે કે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં પ્રવેશ અપગ્રેડ થયો હતો. જ્યારે ૧૦૧૮ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમના હાલના પ્રવેશમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આમ, ઓફલાઈન રાઉન્ડ પણ હવે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ રાઉન્ડના અંતે સરકારી કોલેજોમાં ૨૭૦૦થી વધારે બેઠકો ખાલી પડી છે. સામાન્ય રીતે ઓફલાઈન રાઉન્ડ પછી ખાલી પડતી બેઠકો ભરવાની સત્તા જે તે કોલેજોને સોંપી દેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે સરકારી કોલેજોમાં ૨૭૦૦થી વધારે બેઠકો ખાલી પડી હોવાથી આ બેઠકો પર પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને તક આપવાનું નક્કી કરાયું છે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓ સરકારી કોલેજોમાં ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓ તા. ૧૦મીથી ૧૨મી સુધી ઓનલાઈન અરજી કરીને તા. ૧૪મીએ પ્રવેશ સમિતિ ખાતે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
સરકારી કોલેજોમાં કઈ કઈ બ્રાન્ચમાં બેઠકો ખાલી પડી
(૧) મોરબી સરકારી કોલેજ- સિવિલ, ઇન્ડસ્ટ્રિયલ, મિકેનિકલ, પાવર, પ્રોડક્શન
(૨) ભાવનગર સરકારી ઇજનેરી કોલેજ – સિવિલ, ઇલેકટ્રિક, ઇ.સી. ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, મિકેનિકલ, પ્રોડક્શન
(૩) મોડાસા કોલેજ – ઓટો મોબાઇલ, સિવિલ, ઇલેક્ટ્રિક, ઇ.સી. મિકેનિકલ
(૪) ભૂજ સરકારી કોલેજ – સિવિલ, ઇલેક્ટ્રિક, ઇ.સી., એન્વાર્યમેન્ટ, મિકેનિકલ, માઇનિંગ
(૫) વડોદરા- ટેક્સટાઇલ
(૬) પાટણ કોલેજ- ઇલેક્ટ્રિક, ઇ.સી., મિકેનિકલ
(૭) ભાવનગર સરાકરી કોલેજ- ઇ.સી., પ્રોડક્શન
(૮) ભરૂચ કોલેજ – ઇ.સી.
(૯) દાહોદ કોલેજ- સિવિલ, ઇલેક્ટ્રિક, ઇ.સી.,મિકેનિકલ
(૧૦) ગાંધીનગર સરકારી કોલેજ- બાયોમેડિકલ, મેટલર્જી
(૧૧) રાજકોટ ઇજનેરી કોલેજ- ઓટો મોબાઇલ, ઇ.સી., ઇન્સ્ટ્રુમેન્ટ
(૧૨) ગોધરા કોલેજ – સિવિલ, ઇલેક્ટ્રિક, ઇ.સી. મિકેનિકલ
(૧૩) પાલનપુર ઇજનેરી કોલેજ- ઇલેક્ટ્રિક, મિકેનિકલ, મ માઇનિંગ
(૧૪) વલસાડ કોલેજ એન્વાર્યમેન્ટ ઇજનેરી