પૂર્વ આચાર્ય શેખ મોહમદહુસેન નૂરમોહમદ કરે છે પુસ્તક પ્રસારનું કાર્ય

અમદાવાદના ગુજરી બજારમાં પુણ્યનો વેપાર

આલેખન… અનિતા તન્ના

ગુજરી બજાર હેરિટેઝ અમદાવાદની વિશેષતા છે. અહીં છેલ્લાં ૨૦ વર્ષથી પુણ્યનો વેપાર કરતા એક ઓલિયા ફકીર જેવી વ્યક્તિએ અનેક લોકોને તેમનાં મનગમતાં અને જોઈતાં પુસ્તકો સુલભ કરાવ્યાં છે. એમનું નામ શેખ મોહમદહુસેન નૂરમોહમદ. #ધંધુકા_મોર્ડન_હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદની ગુજરી બજારમાં જૂનાં પુસ્તકો વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. અમદાવાદમાં જન્મેલા, ઉછરેલા અને અમદાવાદની ગુજરાત કોલેજ, સ્વામિનારાયણ કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવીને આચાર્ય સુધી પહોંચેલા આ મોહમદહુસેન અત્યંત ગરીબ પરિવારનું ફરજંદ હતા. તેઓ કહે છે, ‘મારાં મમ્મીએ શાળા જોઈ જ નહોતી. હું નાનો હતો ત્યારે તે છાણ ભેગું કરી તેનાં છાણાં બનાવતી અને છાણાં વેચતી. એની આવકમાંથી મને દર રવિવારે ચાર આના આપતી. એ ચાર આના લઈને હું આ અમદાવાદની ગુજરી બજારમાં આવતો અને મને ભણવામાં ઉપયોગી થાય એવાં પુસ્તકો લઈ જતો. આ રીતે મેં મારી કારકિર્દી બનાવી હતી. હવે અહીં ગુજરીમાં પુસ્તકો વેચીને ગરીબ હોવા છતાં પોતાની કારકિર્દી બાબતે અત્યંત ગંભીર હોય તેવા લોકો માટે હું આ પ્રવૃત્તિ કરી રહ્યો છું.’
અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક અને બી.એડનું શિક્ષણ મેળવીને અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓના જીવનને મોહમદભાઈએ સાચી દિશા આપી છે. તેઓ નિયમિત મુંબઈના પસ્તી બજારમાં જાય છે. ત્યાંથી રેર(દુર્લભ) પુસ્તકો શોધી શોધીને લઈ આવે છે. જૈફ ઉંમરે પહોંચેલા મોહમદભાઈ દર ટ્રીપમાં આશરે ૪૦ કિલો વજન લાવતા હોય છે. એક વાર પુસ્તકોનું વધારે વજન હોવાથી ટિકિટ ચેકરે એમની પાસે દંડ ભરવાનો આગ્રહ રાખ્યો, પરંતુ આ ઓલિયા ફકીર પાસે દંડ ભરવાના પૈસા નહોતા. પુસ્તકો ખરીદવામાં પૈસા વપરાઈ ગયા હતા. ટિકિટ ચેકરને પોતાની પ્રવૃત્તિ વિશે વિગતે વાત કરતાં ટિકિટ ચેકરના મનમાં પણ રામ વસ્યા અને તેરસો રૂપિયાના દંડની સામે એણે ત્રણસો રૂપિયા વસૂલ કરીને મોહમદભાઈને જવા દીધા.
સારા, ઉત્તમ, ઉપયોગી અને દુર્લભ પુસ્તકોના પોતાના વ્યવસાયને મિશન તરીકે જીવનમાં અપનાવીને તેઓ એકદમ આનંદથી જિંદગી જીવી રહ્યા છે. જૂના પુસ્તકના વ્યવસાયમાં નફા-નુકસાનની ગણતરી વગર જ માત્ર કોઈકની કારકિર્દી બને અને એના જીવનમાં અજવાળું થાય એ જ મોહમદભાઈનો જીવનમંત્ર છે. અનેક લોકોને જોઈતાં હોય અને ક્યાંય ના મળતાં હોય તેવાં પુસ્તકો લાવી આપ્યાં છે. જ્યારે કોઈ વાચકને તેનું મનગમતું પુસ્તક મળે ત્યારે તેમના ચહેરા પર જે આનંદ હોય છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવો હોતો નથી. તેમના ત્યાંથી ઘણાં પુસ્તકો ચોરાય પણ છે, પણ આવી ચોરીને તેઓ ગંભીરતાથી લેતા નથી.
ગુજરી દર રવિવારે જ ભરાય છે. રવિવાર સિવાય અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં પુસ્તકોની લારી લઈને મોહમદભાઈ ઊભા રહે છે. પુસ્તકોનું મૂલ્ય સમજતા મોહમદભાઈ આગવા આદર્શોથી આ વ્યવસાય કરી રહ્યા છે. જેમકે, પુસ્તક ખરીદતી વખતે.. નો આરગ્યુમેન્ટ, નો બારગેનિંગ અને નો કોમેન્ટ એ તેમના સિદ્ધાંતો છે.
આ ઉપરાંત પણ મોહમદભાઈ પુસ્તકોની આસપાસ બીજા સૂત્રો પણ લખીને મૂકે છે. જેવાં કે, “Be a Buyer, Don’t be a beggar”, “If you want to pay sufficient buy, If not Bye Bye” ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળમાં અનુવાદક તરીકે ફરજ બજાવનાર મોહમદભાઈને પાંચ દીકરા છે. દીકરી ન હોવાથી પોતે કન્યાદાન ન કરી શક્યાનો તેમને ભારોભાર અફસોસ છે. ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ લેખિકા ધીરુબહેન પટેલની ‘આંધળી ગલી’ અને ૧૯૨૦માં નોબલ પ્રાઈઝ મળેલા પુસ્તક ‘Thai’ તેમનાં ગમતાં પુસ્તકો છે. આ બન્ને પુસ્તકોનો તેમના જીવન પર મોટો પ્રભાવ છે. પોતાના શિક્ષકો મહેશ દવે અને હસીનાબહેન કાદરીને આદર સાથે યાદ કરતાં મોહમદભાઈ કહે છે કે આજે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બન્નેમાં પરિવર્તન આવી ગયું છે. સમય બદલાતા બધું બદલાય. અત્યારના સમયમાં ફિલ્મ, ક્રિકેટ અને શેરબજારે માણસને અપ્રામાણિકતા, કાલ્પનિક અને મહેનત કર્યા વગર કેમ પૈસા કમાવાય તે શીખવાડ્યું છે. જે મારા મતે અયોગ્ય છે. હું ભગવદ્‌ ગીતાના કર્મના સિદ્ધાંત મુજબ જીવન જીવુ છું. આ સિદ્ધાંત દરેક વ્યક્તિને ફીટ બેસે છે. કોઈ માને કે ના માને. જીવનમાં કોમેડી અને ટ્રેજડી બન્ને સમયાંતરે આવતા હોય છે, પરંતુ તટસ્થ રહીને તમે જીવન જીવો તો જીવવાની મજા આવે છે. સમાજને સંદેશ આપતા તેઓ કહે છે કે ‘તમે દુનિયાને ચાહો, પરંતુ સાચા દિલથી એક માત્ર અલ્લાહને ચાહજો. દુનિયા તમારો તિરસ્કાર કરે તો ઈશ્વર તો તમને જરૂર અપનાવશે જ.’

આલેખન અનિતા તન્ના ફોટો સાૈજન્ય અદિતી પાઠક