પૂર્વ પત્ની અને સાસરીયાએ યુવકના દસ્તાવેજોના આધારે 1.70 લાખના મોબાઈલ ફોન મેળવી ઠગાઈ આચરી

અમદાવાદ, તા.૯
પૂર્વ પતિના દસ્તાવેજોની મદદથી પત્ની, સસરા અને સાઢુએ અમદાવાદના ત્રણ જુદાજુદા સ્ટોરમાંથી રૂપિયા 1.70 લાખના ત્રણ મોબાઈલ ફોન લોન પર મેળવી લઈ છેતરપિંડી આચરી છે. આ મામલે સોલા પોલીસે રિદ્ધી અશોક મહેતા, અશોક મહેતા અને રિતેશ માવાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ, જોધપુરના સત્યમ સ્ટેટસ અને મુંબઈ દહીસર ખાતે રહેતા નિકુંજ રમેશભાઈ ભુપતાણી (ઉ.27)ના લગ્ન રાજકોટની રિદ્ધી અશોક મહેતા સાથે ગત ફેબ્રુઆરીમાં થયા હતા. કેનેડામાં રહીને સીએનો અભ્યાસ કરતા નિકુંજ ભુપતાણી સાથે લગ્ન થયા તે અગાઉથી જ કેનેડામાં સ્થાયી થવા માટે રિદ્ધી મહેતા દબાણ કરતી હતી. રિદ્ધી મહેતાએ કોઈ કારણસર નિકુંજ ભુપતાણી વિરૂદ્ધ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ ગત જૂન મહિનામાં રિદ્ધી અને નિકુંજ નોટરી રૂબરૂ છુટાછેડાનો કરાર કર્યો હતો. નિકુંજ ભુપતાણીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેનો પાસપોર્ટ રિદ્ધી અને અશોક મહેતાએ રાખી લઈ ધમકી આપી કેટલાક દસ્તાવેજો પર સહીઓ કરાવી હતી.
પાંચ દિવસ પૂર્વે બેંક એકાઉન્ટમાંથી 6979 રૂપિયા ડેબિટ થતા નિકુંજ ભુપતાણીએ તપાસ કરતા એસ.જી.હાઈ-વે પર આવેલા ક્રોમા સ્ટોરમાંથી 73,900 રૂપિયા કિંમતનો મોબાઈલ ફોન લોન પર કોઈએ ખરીદ્યો હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તપાસ કરતા ક્રોમા સેન્ટરના સીસીટીવી ફૂટેજમાં પૂર્વ સાઢુ રિતેશ માવાણી અને અજાણ્યો શખ્સ ફોનની ખરીદી કરતા જોવા મળ્યો હતો. વધુ તપાસમાં નિકુંજ ભુપતાણીના દસ્તાવેજોના આધારે કાંકરીયા ક્રોમા સ્ટોર તેમજ ડ્રાઈવ-ઈન રોડ હિમાલયા મોલમાં આવેલા ક્રોમા સ્ટોરમાંથી અનુક્રમે 47,990 તથા 48,999 રૂપિયાના બે મોબાઈલ ફોન લોન પર લેવાયા હોવાની માહિતી સામે આવી હતી. નિકુંજ ભુપતાણીએ પૂર્વ પત્ની રિદ્ધી, સસરા અશોક (બંને રહે. મંગલપાર્ક સોસાયટી, રાજકોટ) અને સાઢુ રિતેશ મેવાણી (રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, આનંદનગર પોલીસ સ્ટેશન પાસે, સેટેલાઈટ) સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.