મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી સદ્દગત સુષ્માજીને શોકાંજલી પાઠવતા કહ્યું કે, નાની વયે અવસાન પામેલા સ્વ.સુષ્માજીના આત્માને પરમાત્મા શાંતિ આપે તેમજ આ દુઃખ સહન કરવાની તેમના પરિવારજનોને હિંમત આપે.
વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધી તેમનો મહત્વનો રોલ રહ્યો છે. એટલું જ નહિ, સ્વ. સુષ્માજીના પરિશ્રમ, સંઘર્ષ, નેતૃત્વ અને કતૃત્વએ ભારતીય જનતા પાર્ટીને મોટી બનાવી છે.
મુખ્યમંત્રીએ દેશના વિદેશ મંત્રી તરીકે સ્વ. સુષ્માજીના ઉત્કૃષ્ટ યોગદાનની સરાહના કરતાં કહ્યું કે, વિદેશમાં વસતા ભારતીયો વેબસાઇટ પર નાની વાત મૂકે અને સુષ્માજી તરત જ જવાબ-પ્રતિસાદ આપે તેવી કામગીરી તેમની રહી હતી.
સ્વ. સુષ્માજી રાજ્યસભાના નેતા તરીકે પણ ગહન વિષય અભ્યાસ સાથે સારા વકતા તરીકે પ્રસ્થાપિત થયેલા તેમજ મુખ્યમંત્રીને પોતાને રાજ્યસભામાં તેમની સાથે તેમના માર્ગદર્શનમાં કામ કરવાની તક મળેલી તેના સંસ્મરણો વિજયભાઇ રૂપાણીએ તાજા કર્યા હતા.
મુખ્યમંત્રીએ સ્વ. સુષ્માજીના નિધનથી દેશની રાજનીતિમાં અને ભારતીય જનતા પાર્ટીમાં મોટી ખોટ પડી છે તેમ સ્વર્ગસ્થની નિખાલસતા, સાલસતા અને સૌજ્ન્યશીલતાને ભાવસભર શોકાંજલી આપતાં ઉમેર્યુ હતું.