ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામની સીમમાં પૂર્વ ઉપસરપંચ સંચાલિત જુગારધામમાં પોલીસે દરોડો પાડી ગંજીપતા વડે તિનપતી નામનો જુગાર રમી રહેલા 5 જુગારીઓને પકડી લીધા હતા. ભાજપની વિચારધારા ધરાવતાં ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને બોકસાઇટના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની સીમમાં રહેતા 49 વર્ષના ગોવિંદ સામતભાઇ ચાવડા નામના આહિર યુવાને પોતાના ભાઇની વાડીમાં જુગારનો અખાડો ચલાવતા પોલીસે દરોડો પાડી પકડી લીધા હતા. તેને છોડી મૂકવા માટે દબાણ થયું હતું.
આ દરોડાની કાર્યવાહીમાં પૂર્વ ઉપસરપંચ ગોવિંદ ચાવડા, ખંભાળિયાના વાણંદ સમાજના પ્રમુખ સુરેશ નારણભાઇ રાઠોડ, ભાયાભાઇ જેઠાભાઇ ભાટુ (રહે. ચોખંડા), ડાડુ જેશાભાઇ ભાટુ (રહે. ચોખંડા) અને રહીમ આલીભાઇ અલુવાસીયા સંધી ( રહે. ચોખંડા) નામના પાંચ શખ્સોને પકડી પાડયા હતાં.
જુગારીઓ પાસેથી ફોર્ચ્યુનર, સ્વીફટ જેવી ત્રણ મોટરકાર પણ પોલીસે કબ્જે લીધી છે. ગંજીપતા વડે તિનપતી નામનો જુગાર રમી રહેલા પાંચેય શખ્સો પાસેથી પોલીસે રૂા.1,56,500 રોકડા તથા રૂા.23,75,000ની કિંમતની ત્રણ મોટરકાર ઉપરાંત રૂા.ત્રણ હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા.25,34,500નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.