પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થતા પાટીદાર સમાજ અને ભાજપમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, સીએમ વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે, વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને ખેડૂતોના મોટા નેતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ અને બાદમાં ભાજપમાં કામ કર્યું હતુ, સહકારી બેંકો, એપીએમસી સહિતની સંસ્થાઓમાં મહત્વના પદો પર તેઓ રહી ચુક્યાં છે, સાંસદ તરીકે પણ તેમને સમાજને સેવા આપી છે, અનેક એજ્યુકેશનની સંસ્થાઓ સાથે સંકળાયેલા વિઠ્ઠલ રાદડિયાની આવતીકાલ જામકંડોળામાં અંતિમ યાત્રા નિકળશે, તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
8 નવેમ્બર 1958ના રોજ જામકંડોરણામાં વિઠ્ઠલ રાદડિયાનો જન્મ થયો હતો, 1987 થી તેઓની રાજકીય કારકીર્દી શરૂ થઇ હતી, જેમાં તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યાં હતા, બાદમાં ધોરાજીના ધારાસભ્ય બન્યાં હતા, ખાણખનીજ અને સહકારી મંત્રી પદે તેમને સેવાઓ આપી હતી, બાદમાં ચિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, આરડીસી બેંકના ચેરમેન, ઇફ્કોના ડિરેક્ટર અને સાંસદ બનીને તેમને પોતાની સેવાઓ આપી હતી. ત્યારે તેમના જવાથી પાટીદાર સમાજને મોટો ફટકો પડ્યો છે, પાટીદાર સમાજ માટે તેમને સેવાના અનેક કામ કર્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.