શાળા-કોલેજોમાં પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા પ્રતિભા શોધ પરીક્ષા અને એવોર્ડ શરૂ કરાશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન (એઆઈસીટીઈ) તરફથી આ બાબતે પરિપત્ર બહાર પાડીને દેશભરની અને અને સંસ્થાઓને જાણ કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે એસોચેમ અને એરિક્સન તેમજ એઆઈસીટીઈના સંયુક્ત ઉપક્રમે આ અભિનવ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (આઈપીઆર) નીતિ અંતર્ગત યુવાપેઢીમાં પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ સહિતના આઈપીઆર ક્ષેત્રે જનજાગૃતિ કેળવાય તેના માટે આ કાર્યક્રમ દેશભરમાં યોજવામાં આવશે. દર વર્ષે નવેમ્બર મહિનામાં આ બાબતની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે જેમાં વિવિધ વિભાગો રાખવામાં આવશે. નવમાંથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ કેટેગરી અને કોલેજોમાં અભ્યાસ રહેલા વિદ્યાર્થીઓ માટે અલગ કેટેગરી રાખવામાં આવશે.
૩૪મી પેટન્ટ ક્લિનિક આગામી ત્રીજી અને ચોથી ઓગસ્ટે જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં યોજાશે. જીટીયુ તરફથી આઈપીઆર અને પેટન્ટને લગતા વિવિધ કોર્સ પણ શરૂ કરવામાં આવેલા છે. યુનિવર્સિટીના સઘન પ્રયાસોને પરિણામે જીટીયુ અને સંલગ્ન કૉલેજોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો તરફથી આશરે ૩૫૪ પેટન્ટ માટેની અરજીઓ કરવામાં આવી છે, એમ જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી.પંચાલે જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં આવા ૯૦થી વધારે પેટન્ટ ક્લિનિકમાં આઠ હજારથી વધુ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ તાલીમ મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના લાભાર્થે આઈપીઆરની ઓનલાઈન વિગતો પણ તૈયાર કરવામાં આવશે. જીટીયુ ખાસ આઈપી નીતિ ઘડી કાઢશે, એમ આઈપીઆર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અમિત પટેલે જણાવ્યું હતું.
જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના માનદ નિયામક હિરણ્મય મહંતાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમો યોજવાનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંશોધનકારો અને સ્ટાર્ટ અપને આઈપીઆર અને ઈનોવેશનને લગતી વિગતવાર જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો છે.ગુજરાતમાં સ્ટાર્ટ અપ તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં જીટીયુનો સિંહફાળો છે. અમને ગુજરાત સરકાર તરફથી પણ ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે.