અમદાવાદ:, તા.25.
શહેરના ઈસનપુર વિસ્તારમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં બે ભાઈઓએ એક યુવકને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હોવાની ચકચારી ઘટના જન્માષ્ટમીની રાતે બની છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલ ઉજાલા સોસાયટી ખાતે પંકજ પાંડુરંગભાઈ પાટીલ (ઉ.20) તેમના પિતા, માતા, ભાઈ, ભાભી અને દાદી સાથે રહે છે. ગઈકાલે શનિવારે જન્માષ્ટમીની રાતે દસેક વાગે પંકજ પાટીલ તેના ઘર પાસે આવેલા કિરાણા સ્ટોર પર ગયા હતા. જ્યાં નજીકમાં પાર્ક કરેલી તેમની બાઈકમાંથી પ્રદીપ અમરસિંગ કોરી અને નરેશ અમરસિંગ કોરી (બંને રહે. નિર્મલકુંજ સોસાયટી, ઈસનપુર) પેટ્રોલની ચોરી કરી રહ્યા હતા. આ જોઈને પંકજે આ બંને કોરી ભાઈઓને પેટ્રોલ ચોરી વિશે પૂછતા તેમણે તેને નજીકમાં પડેલી અન્ય બાઈકમાંથી પેટ્રોલ ચોરી લેવા જણાવ્યું હતું. જેથી પંકજ પાટીલે ગુસ્સે થઈને પ્રદીપને લાફો મારી દીધો હતો.
આથી ઉશ્કેરાયેલા પ્રદીપ કોરી અને તેના ભાઈ નરેશ સાથે ઝઘડો થતા પંકજના પિતા પાંડુરંગ, માતા અને દાદી સહિતના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. જેથી આરોપીઓએ પંકજના પિતા પાંડુરંગને લાફો માર્યો હતો. જ્યારે પંકજના દાદી સુમનબહેનને લાત મારતા તેઓ પડી ગયા હતા.
દાદીને ઉભા કરવા પાટીલ પરિવાર પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાનમાં પ્રદીપ તેના ઘરેથી કેરોસીન ભરેલો કેરબો ઘરેથી લઈ આવ્યો હતો અને પંકજ પર છાંટી દઈ દિવાસળીથી આગ લગાવી દીધી હતી. પંકજના પિતા તેમજ આસપાસના લોકોએ ધાબળો નાંખી આગ બુઝાવી પંકજને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.