રાજ્યમાં ૯૭૧૩ લોકરક્ષક ફિક્સ પગારની ભરતી પ્રક્રિયા માટે યોજાયેલ પરીક્ષામાં ભાજપ
સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ-મળતિયા-અગ્રણીઓએ પેપર ફોડીને ગુજરાત નવ લાખ યુવાનો અને
તેમના નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને ભવિષ્ય સાથે ચેડા કાર્ય
છે. ગુજરાતના લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં આવેલા યુવાનોને ન્યાય મળે, આર્થિક વળતર મળે અને
સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને સજા મળે અને વારંવાર સરકારી નોકરીઓની ભરતી
પ્રક્રિયામાં થતાં કૌભાંડ અંગે જવાબદારી સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે
રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન કાર્યક્રમ બાદ ગુજરાત પ્રદેશ
કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતીમાં મોટા પાયે કૌભાંડ
આચરવામાં આવ્યું છે, જેનો ભોગ નવ લાખ યુવાનો અને તેમના પરિવાર બન્યા છે. ગુજરાતમાં તલાટી
ભરતી કૌભાંડ, ટેટ-ટાટ પરીક્ષા કૌભાંડ, ગ્રામ સેવક પરીક્ષા કૌભાંડ, વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડ જેવા
અનેક કૌભાંડો ભાજપના મળતિયાઓ આચરી રહ્યા છે. જેના કારણે ગુજરાતના લાખો બેરોજગાર
યુવાનોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારમાં થયેલ “વ્યાપમ કૌભાંડ” ની
જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીઓમાં મોટા પાયે નાણાકીય લેતીદેતીથી ભરતી કૌભાંડ આચરવામાં
આવી રહ્યું છે. સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે.
ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને ન્યાય મળે, નાણાકીય લેતીદેતી અને ભ્રષ્ટાચાર બંધ
થાય, પારદર્શક ભરતી પ્રક્રિયા થાય તેવી માંગ સાથે રાજ્યવ્યાપી કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા યોજવામાં
આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે
દાયકાથી પણ વધારે સમયથી રાજ્યમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી
આપવામાં વર્તમાન ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાન
બેરોજગારો વધી રહ્યા છે. યુવાનોને પૂરતું વળતર મળે તેવી નવી રોજગારી ઉભી કરવાને બદલે
સરકાર પોતે જ ગેરબંધારણીય રીતે અપૂરતા વેતન સાથેની કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ પગાર, આઉટ
સોર્સિંગ જેવા રૂપકડા નામો હેઠળ યુવાનોનું શોષણ કરે છે. ઉપરાંત ભાજપની વર્તમાન કેન્દ્ર તેમજ રાજ્ય
સરકારની નોટબંધી, જીએસટીના અણધડ અમલીકરણ જેવી નીતિઓને કારણે ખાનગી ક્ષેત્રમાં પણ
રોજગારીના પ્રમાણમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. “જોબલેસ ગ્રોથ” જેવી અત્યંત કફોડી હાલતમાં
રાજ્યનું અર્થતંત્ર સપડાઈ ગયું છે.
ભૂતકાળમાં પણ, તલાટીની નોકરીમાં વ્યાપક કૌભાંડ બહાર આવ્યું હતું. તલાટીની નોકરીઓના
કરોડો રૂપિયાના કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જ સંડોવાયેલા હોવાથી તેમાં ભીતું સંકેલી લેવામાં
આવ્યું.
તમામ મોરચે નિષ્ફળતાઓનો ઈતિહાસ ધરાવતી રાજ્યની ભાજપ સરકારે ગુજરાતના યુવાનોની
રોજગારીના મામલે અસહ્ય અને ગુન્હાહીત બેદરકારી દાખવી છે. રાજ્યની રૂપાણી સરકારની આવી
ગંભીર બેદરકારી અને લાપરવાહીનો વરવો નમૂનો ૦૨જી ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ લોકરક્ષકની ભરતી
પરીક્ષામાં થયેલા છબરડાથી વધુ એક વખત બહાર આવ્યો છે. રાજ્યના આશાસ્પદ યુવાનો અનેક
આશાઓ અને અરમાનો સાથે લોકરક્ષકની ભરતી પરીક્ષા આપવા રવિવારે પરીક્ષા કેન્દ્ર ઉપર ગયા
ત્યારે સરકારી તંત્રની ઘોર બેદરકારીને પરિણામે પેપર લીક થઇ જતાં, પરીક્ષા રદ કરવામાં આવી.
બેરોજગાર યુવાનો માટે દૂર દૂરના પરીક્ષા કેન્દ્રો સુધી જવાની હાલાકીમાં વધારો કરતી ઘટનારૂપે આ
પરીક્ષા રદ કરવામાં આવી ત્યારે હજારો યુવાનો અટવાઈ પડ્યા હતા અને તેમને ઘરે જવામાં પણ
પારાવાર મુશ્કેલી પડી અને અરાજકતા સર્જાઈ ગઈ. તેમને નોકરી મળવાના અરમાનો તો આ
અરાજકતામાં ધરબાઈ ગયા. આમ રાજ્યની ભાજપ સરકારે રાજ્યના લાખો યુવાનોના ભવિષ્ય સાથે
ચેડા કર્યા છે. અને ભાજપ સરકારની બેદરકારીને લીધે લાખો બેરોજગાર યુવાનો સાથે ક્રૂર મજાક થઇ
છે. એટલું જ નહિ લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાની પરીક્ષાર્થીઓને સમયસર
જાણ કરવામાં ન આવી અને લાખો યુવાનોને બેરોજગારીની કફોડી પરિસ્થિતિમાં નાહકનો ખર્ચ થયો
અને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું. રાજ્યની ભાજપ સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં
સદંતર નિષ્ફળ નીવડ્યા પછી પણ યુવાનોની હાલાકીમાં વધારો કરી રહી છે તે અત્યંત શરમજનક છે.
આ સંજોગોમાં, રાજ્યની ભાજપ સરકારમાં જો સહેજ પણ શરમ બચી હોય તો, રાજ્યના
મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને યુવાનોની માફી માંગવી જોઈએ, એવી કોંગ્રેસ
પક્ષ માંગણી કરે છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે નૈતિક જવાબદારી સ્વીકારી લેવી
જોઈએ અને યુવાનો સહિત રાજ્યની પ્રજાની માફી માંગવી જોઈએ અને મુખ્યમંત્રીએ તાત્કાલિક
રાજીનામું આપી દેવું જોઈએ.