લાઠીના દુધાળા ખાતે દાતા ગોવિંદભાઈ ધોળકીયા સહિતના દાતાઓના આર્થિક સહયોગથી સને ર000ની સાલમાં પાણીની કાયમી સમસ્યા હલ કરવા ચેક ડેમો અને કેનાલો બનાવી વરસાદના પાણીના સંગ્રહ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હતું. જેના કારણે લોકો અને પશુઓને પીવાના પાણીનીમુશ્કેલી દૂર કરેલ અને ચેક ડેમના સંગ્રહિત પાણીથી કૂવા-બોરના તળ ઉંચા આવેલ. વર્ષો પહેલા બનાવેલ કેનાલો, ચેકડેમોમાં જમા થતા કાંપ અને ઝાડી ઝાંખરાથી કેનાલો, ચેકડેમો ભરાઈ જતા પૂરતા પ્રમાણમાં જળ સંગ્રહ થઈ શકતો ન હોય આવા સમયે વતનની વહારે ધોળકીયા પરિવારના અરજણભાઈ ધોળકીયાએ પહેલ કરી તમામ ચેકડેમો તથા કેનાલોને સ્વખર્ચે હીટાચી મશીન, જેસીબી દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરીને તમામ ચેકડેમ, કેનાલો પુનઃજીવીત કરવા ભગીરથ કાર્યનો પ્રારંભ કરેલ છે. તેમાં સમગ્ર ગ્રામજનોનો સહકાર અને સેવા મળતા કામગીરી સુંદર રીતે ચાલુ થતા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહયો છે. આ કામની ઝુંબેશ શરૂ કરવામાં અગ્રણી અશોકભાઈ કથીરીયાનું મુખ્ય યોગદાન રહયું છે. તેમજ સમગ્ર કામગીરીમાં ટેકનીકલ માર્ગદર્શન અને ગ્રામજનોનો સહકાર મેળવવામાં રાકેશભાઈ ધોળકીયા દ્વારા માર્ગદર્શન મળી રહે છે. સમગ્ર કામગીરીમાં સરપંચ સહિત ગ્રામજનો જોડાયા છે અને સૌ કોઈ અરજણભાઈ ધોળકીયાની કામગીરી બિરદાવી રહયા છે.