પોરબંદરથી વિદેશી શખ્સ પકડાયો

પોરબંદરના દરિયા કાંઠાના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે માધવપુર નજીક એક વ્યક્તિની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી. જેના કારણે તે ઇસમને ઉભોરાખીને તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઇસમ પોલીસના સવાલોનો કઈક અલગ ભાષામાં જવાબ આપતો હતો, જેથી તે ઇસમ પાકિસ્તાની હોવાની આશંકા સાથે તેને મોડી રાત્રે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લાઓ અને શહેરોમાં પોલીસને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરક્ષાને પગલે કેટલીક જગ્યા પર પોલીસ દ્વારા બોંબ સ્કોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના યાત્રાધામ સોમનાથ અને પોરબંદરમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઇન્ડિયન નેવી દ્વારા પોતાની કેટલીક બોટ પોરબંદરના દરિયામાં સજ્જ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માછીમારીને પણ પાકિસ્તાનની જળ સીમામાં નજીક ન જવાના સૂચનો કરવામાં આવ્યા હતા.