પોરબંદરના ઘેડ પંથકમાં પાણી જ પાણી

કુતિયાણા,તા:૧૨ સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને ભાદર ડેમ-2ના દરવાજા ખોલાતાં ભાદર નદીમાં પૂર આવ્યું છે. પૂરના પગલે ઘેડ પંથકમાં સાર્વત્રિક પાણી જ પાણી ફેલાઈ ગયું. રકાબી જેવો કુદરતી ભૂભાગ ધરાવતા ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદના પગલે પણ પૂર આવી જાય છે.

ઘેડ પંથકમાં પાણી ફેલાઈ જતાં કુતિયાણાથી પસવારીનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે યાતાયાતને ગંભીર અસર પહોંચી. સ્થિતિની ગંભીરતા જાણી તંત્ર દ્વારા ભાદરકાંઠાનાં ઘેડમાં આવતાં 22 ગામના સરપંચોને એલર્ટ કરવામાં આવ્યાં, ઉપરાંત 4 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું. સ્થિતિ વધુ વણસે તે પહેલાં ફાયરબ્રિગેડને પણ સતર્ક કરવામાં આવી, જેના ભાગરૂપે હોડી સહિતની સાધનસામગ્રી તૈયાર કરી લેવાઈ છે.