પોલીસની ધોંસ વધતાં અમરેલી જિલ્લાનાં વ્યાજખોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા

અમરેલી, તા.16

અમરેલી જિલ્લા પોલીસ વડાને મળેલ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. ટીમે અગાઉ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્ટરલ, જીવતા કાર્તુસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથીયારો જપ્ત કર્યા હતાં. આ કેસમાં મકાન માલીક નરેન્દ્રલ ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ, ગૌતમ નરેન્દ્રેભાઈ ખુમાણ સામે જે તે સમયે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી. આ દરોડા દરમિયાન વ્યાજ વટાવનો હિસાબ લખેલી નોટબુક તથા સાહિત્ય પણ પોલીસને હાથ લાગી આવેલા હતા અને આ સાહિત્યના આધારે ભોગ બનનારાઓને પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવતા આવા વ્યાાજખોરો સામે વંડા પોલીસ સ્ટેશન તથા સાવરકુંડલા ટાઉન પોલીસમાં વધુ 4 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી.વ્યાજખોરોએ ધીરધારના લાયસન્સ વગર ધંધો કરી અને પઠાણી ઉઘરાણી કરતા શખ્સો સામે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા વ્યાજંકવાદી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે રહેતા અને ગ્રાફીક ડિઝાઈનનો વ્યવસાય કરતા સંજયભાઈ જેઠવા નામના ર7 વર્ષીય યુવકને દુકાનનો માલ સામાન ખરીદવા માટે પૈસાની જરૂરિયાત પડતા મોટા ભમોદ્રા ગામે રહેતા રઘુભાઈ ખુમાણ તથા સેંજળ ગામે રહેતા નટુભાઈ ખુમાણ તથા તેમના દીકરા ગૌતમભાઈ નટુભાઈ પાસેથી રૂા. 10 હજાર વ્યાજે લીધેલ હતા અને તે રકમ વ્યાાજ સાથે ચુકવી આપ્યા બાદ ફરી જરૂરિયાત ઉભી થતાં રૂા. પ હજાર ત્રણેય ઈસમો પાસેથી લીધા હતા અને તે પેટે રૂા. 1 હજાર ચુકવવાના બાકી રહેતા આ ત્રણેય ઈસમોએ યુવક પાસે કડક ઉઘરાણી કરી મોટર સાયકલ પડાવી લેવા તથા મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાઈ છે.