પોલીસ કમિશનરના પત્ની સંગીતા સિંઘને સાઈકલ અકસ્માત 

એ.કે.સિંઘ, પત્ની અને પુત્રી સાથે સાઈકલીંગ કરવા નિકળ્યા હતા 

અમદાવાદ – પોલીસ કમિશનર એ.કે.સિંઘના પત્નીને સાઈકલીંગ દરમિયાન અકસ્માત નડતા તેમને ખભાના ભાગે ઈજા પહોંચી છે. સંગીતા સિંઘ તેમના પતિ અને પુત્રી સાથે રિવરફ્રન્ટ પર સાઈકલીંગ કરી રહ્યા હતા ત્યારે થાંભલા સાથે ટકરાતા તેમને માથા અને ખભામાં ઈજાઓ પહોંચી છે.

શહેર પોલીસ કમિશનર આજે સવારે તેમની પત્ની અને પુત્રી સાથે ઘણા દિવસો બાદ સાથે સાઈકલીંગ કરવા નિકળ્યા હતા. સવારે પોણા દસેક વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ પર સિંઘ પરિવાર સાઈકલીંગની સાથે સાથે એકબીજા સાથે વાતચીત કરી રહ્યો હતો. સિંઘ પરિવાર સ્પીડમાં સાઈકલીંગ કરી રહ્યો હતો તે સમયે સંગીતા સિંઘની નજર માર્ગ પરથી હટી ગઈ હતી અને તેમની સાઈકલ એક થાંભલા સાથે અથડાતા તેઓ નીચે પટકાઈ ગયા હતા. સંગીતા સિંઘ સાઈકલ પરથી પટકાતા તેમને માથા અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી.

સંગીતા સિંઘને ખભાના ભાગે ઈજા થતા તેમનો હાથ જકડાઈ ગયો હતો. ઈજાગ્રસ્ત સંગીતા સિંઘને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા જરૂરી હોવાથી 108માં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ તુરંત દોડી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સંગીતા સિંઘને ખભામાં ઈજા થવાથી તેમનો હાથ સાંધામાંથી ખસી ગયો છે.