બનાસકાંઠાના ડીસા ખાતે પાટણ હાઇવે પરની જમીનનો કબ્જો પરત સોંપવા માટે આદેશ કર્યા બાદ પોલીસે કાળા કપડાં પહેરેલા બાઇન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ કબજેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો.
બાઉન્સરો સાથે પોલીસ દમનનો વિડિઓ વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં અધિક્ષક સમક્ષ ન્યાયની માંગણી કરતાં પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાય ગયું હતું.
સાર્થક બંગલોઝ આગળની જમીનની માલિકી અંગે વિવાદ લાંબા સમયથી હતો. તાજેતરમાં જ ડીસાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે આ જમીનનો કબજો અરજદારને સુપ્રત કરાવવાનો આદેશ કરતા ડીસા ઉત્તર પોલીસ મથકના અધિકારીઓએ ખાનગી બાઉન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ પીડિત પરિવાર અને આ પરિવારની એક સગર્ભા મહિલા પર પણ અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસની મુશ્કેલી પણ વધે એવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
ડીસા માર્કેટ યાર્ડ પાસે શુભમ પાર્ટી પ્લોટની સામે એક કોમન પ્લોટમાં કેટલાક તત્વો દ્વારા ખોટી રીતે વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. ઝૂંપપટ્ટીમાં રહેતાં લોકો સાથે દાદાગીરી કરી ઘરનો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. કોઈ કારણસર પોલીસ પણ આ બાઉન્સરોને જોઈ ત્યાંથી પલાયન થઇ ગઇ હતી. ગરીબ લોકોને રક્ષણ આપવાના બદલે બાઉંસરોને પોલીસ મદદ કરવા લાગી હતી.
બાઉન્સરો ક્યાંથી આવ્યા, કોણે બોલાવ્યા અને કેમ બોલાવ્યા તે બાબતે પોલીસે તપાસ કરી નથી કે તેમની સામે કોઈ ગુનો નોંધ્યો નથી.
આમ હવે ભાજપની સરકારમાં પોલીસ પોતે લોકો પર અત્યાર કરવા માટે બાઉન્સરો રાખતી થઈ હોવાનો આરોપ મૂકીને ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય પ્રધાનની કચેરીમાં ફરિયાદ કરવા માટે લોકો ગયા હતા. વિજય રૂપાણીની સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાની સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ પોલીસના આ બાઉન્સરો સામે ફરિયાદ પણ થઈ નથી. તપાસ પણ થઈ નથી.