અમદાવાદ, તા.૧૮
સાણંદની ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતાં વિવાદ અંતર્ગત આખરે આવતીકાલે શિક્ષિકાઓએ સ્કૂલમાં હાજર થવાની તૈયારી દર્શાવી છે. જોકે, હાલમાં પોલીસ પ્રોટેક્શન આપવાનુ નક્કી કરાયુ છે. આ ઉપરાંત એક મહિલા ઇન્સ્પેકેટરને પણ હાજર રાખવાની તૈયારી સત્તાધીશોએ દર્શાવતાં હવે આવતીકાલે શિક્ષિકાઓએ લાંબો સમય બાદ ફરીવાર પોતાની સ્કૂલમાં હાજર થશે.
ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ૧૬ શિક્ષિકાઓ પર ગ્રામજનો દ્વારા તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે શિક્ષિકાને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, તેની સાથે કેટલાક ગ્રામજનોએ હાથાપાઇ પણ કરી હતી. પૂર્વ આચાર્યની ચડામણીથી ગ્રામજનોએ આ પ્રકારની હરકત કરતાં ફરજ બજાવતી તમામ શિક્ષિકાઓ રીતસરની હેબતાઇ ગઇ હતી. આ ઘટના બાદ તમામ શિક્ષિકાઓએ કોઇપણ સંજોગોમાં આ ગામમાં ફરજ બજાવવા ઇન્કાર કરી દીધો છે. શરૂઆતમાં ત્રણ દિવસ સુધી જુદા જુદા સ્થાનિક સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવામાં ન આવતાં તમામ શિક્ષિકાઓએ નોકરીના સ્થળે હાજર રહેવાના બદલે અમદાવાદના જિલ્લા પ્રાથમિક શિક્ષણની કચેરીએ હાજર થઇ ગઇ હતી. જયાં સુધી તમામ શિક્ષિકાઓને સામૂહિક ટ્રાન્સફર આપવામાં ન આવે ત્યાં સુધી જિલ્લા પંચાયતની કચેરીમા જ હાજર રહેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ નિયામક સહિતના અધિકારીઓે ગ્રામજનોને બોલાવીને સમાધાનના પ્રયાસ કર્યા હતા. જેમાં ગ્રામજનોએ લેખિતમાં એવી બાંયેધરી આપી હતી કે, હવે પછી આ પ્રકારની ઘટના બનશે નહી. આમ છતાં શિક્ષિકાઓએ આ ગામમાં નહી જવાના પોતાના નિર્ણય પર અડગ રહી હતી. છેવટે બે દિવસ પહેલા ડીપીઓ દ્વારા શિક્ષિકાઓને હવે ગામની સ્કૂલમાં હાજર થવા ફરમાન કર્યુ હતુ. જો શિક્ષિકાઓ હાજર ન થાય તો પગારકાપ કરવો પડશે તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. જેના ભાગરૂપે આજે શિક્ષિકાઓએ આવતીકાલથી ગામમાં ફરજ પર હાજર થવા તૈયારી દર્શાવી હતી. પરંતુ હાલમાં સલામતિના ભાગરૂપે ત્રણ પોલીસ જવાનોનુ પ્રોટેક્શન આપવાનુ પણ નક્કી કરાયુ હતુ. શિક્ષિકાઓ જયાં સુધી પોતાને સલામતી ન લાગે ત્યાસુધી આ પોલીસ પ્રોટેક્શન રાખી શકશે તેવુ પણ નક્કી કરાયુ હતુ. હવે ગ્રામજનોની બાંહેધરી, પોલીસ પ્રોટેક્શન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સલામતિની ખાતરી અપાયા બાદ આવતીકાલથી એકસાથે ૧૬ શિક્ષિકાઓ લાંબા સમય બાદ સ્કૂલમાં ફરીવાર ફરજ બજાવવા માટે હાજર થશે.