વિજયનગર,તા. 28
પોલો ફોરેસ્ટ સહેલાણીઓ માટે આકર્ષણનું સ્થળ છે. ચોમાસાની સિઝન દરમિયાન મોટા પ્રમાણમાં અહી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે ત્યારે પોલો જંગલની મુલાકાત લેવા માગતા યાત્રિકો માટે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જે પ્રવાસીઓ માટે થોડુ મુશ્કેલીરુપ બની શકે તેમ છે. પોલો ફોરેસ્ટમાં ફોર વ્હીલ અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર સાબરકાંઠા કલેકટર પ્રવિણા ડીકેએ પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડયુ છે. જે મુજબ હવેથી પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓ ફોર વ્હીલ અને ભારે વાહનો લઈ જઈ શકશે નહી. આ જાહેરનામનો પ્રતિબંધીત સમયગાળો તા.20-8 થી તા. 18-10 એમ કુલ 60 દિવસોનો રહેશે. આ સમયમાં આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતિય દંડ સંહિતા-1860ના કલમ 188ની હેઠળ દંડ-સજાને પાત્ર બનશે. અને તેની સામે સાબરકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર્સ કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર અધિકારી કાર્યવાહી કરી શકશે. જો કે આ જાહેરનામાં કેટલાક અપવાદો પણ છે જેમાં સરકારી કામે રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, અગિનશામક વાહન વગેરે માટે આ નિયમ લાગુ કરવામાં આવેલો નથી