પોસ્ટ ઓફિસને નિશાન બનાવીને ત્રિકમ વડે તિજોરી તોડવાનો પ્રયાસ

રાજકોટ,તા.26 શહેરમાં તસ્કરો પોતાની રીતે તહેવારની ઉજવણી કરવા મેદાને પડ્યા છે. બે દિવસ અગાઉ બે મકાનમાં ત્રાટકી લાખોની માલમત્તા ઉઠાવી ગયા હતાં. હવે માધાપર ગામની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા.બારી તોડીને ચોર અંદર ઘુસી ગયા હતાં અને સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. જો કે ટેબલોના કોઇ ખાનામાંથી કંઇ હાથ આવ્યું નહોતું. એ પછી તસ્કરોએ ત્રિકમનો ઉપયોગ કરી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ મજબૂત તિજોરી ન તૂટતાં તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં ગાધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચ્યો હતો. પોસ્ટ માસ્ટરે ચોરીના પ્રયાસ અંગે અરજી નોંધાવવા તજવીજ કરી હતી.