અમદાવાદ, તા.12
સગી પૌત્રી સાથે બીભત્સ વર્તન અને શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. 60 વર્ષીય દાદા સાથે છેલ્લા છ એક મહિનાથી પૌત્ર અને પૌત્રી એકલાં રહેતાં હતાં. આ મામલે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જુહાપુરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે તલાક થતાં બે બાળકો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે તલાક બાદ માતા અન્ય પરિવારમાં રહેવા ચાલી ગઈ હતી. અગિયાર વર્ષની દીકરી અને દીકરા સાથે અન્ય શહેરમાં રહેતા યુવકે છ એક મહિના અગાઉ બાળકોને જુહાપુરામાં રહેતા દાદા સાથે મોકલી આપ્યાં હતાં. જુહાપુરામાં રહેતાં બાળકો અને તેમની માતા સમયાંતરે એકબીજાને મળતાં હતાં. ગત ગુરુવારે બાળકીએ બીજા કોઈના ફોનથી માતા સાથે વાત કરી રૂબરૂ મળવાની વાત કરી હતી. દીકરીનો ફોન આવતાં માતા બાળકોને મળવા દોડી ગઈ હતી.
માતાને મળ્યા બાદ દીકરીએ એકલતાનો લાભ લઈને નરાધમ દાદા દ્વારા કરાતા કૃત્યોની જાણ કરી હતી. બીભત્સ વર્તન તેમજ શારીરિક અડપલાં કરતા દાદાથી પૌત્રી પરેશાન થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં માતાએ પૂર્વ સસરા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.