અમદાવાદ,24
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે.
જે વિસ્તારોમાં જે ઉમેદવારોએ પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને વિસ્તારો રાધનપુર અને બાયડમાં પ્રજાએ એમને ભારે મતોથી જાકારો આપ્યો છે. જેમાં પક્ષપલટુઓ અને સત્તાલાલચુઓને ક્યારેય સ્થાન ન હોઈ શકે. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જે રાજનીતિ શરૂ કરી, કે પક્ષપલટો કરાવી કે સત્તાની લાલચ આપવાની, પૈસાની લાલચ આપવાની અને પોતાના પક્ષે લઈ અને પોતાની વાહવાહ કરાવવાની જે શરૂઆત કરી હતી એને ગુજરાતની જનતાએ ‘રૂકજાઓ’ કહી સંદેશ આપ્યો છે. રાધનપુર હોય કે બાયડ, જે લોકો પ્રજા સાથે અને પક્ષ સાથે દ્રોહ કરીને ગયા એવા લોકોને ફરી વિધાનસભામાં સ્થાન ન હોય. બંને સીટ પર કોંગ્રેસના કાર્યકરોની મહેનત અને ત્યાંના પ્રજાજનોએ આપેલા જનાદેશને કારણે આજે કોંગ્રેસનો વિજય થયો છે. આ ગુજરાતની જનતાનો વિજય છે, કોંગ્રેસના કાર્યકરોનો વિજય છે.
અત્યાચાર અને ભ્રષ્ટાચારની રાજનીતિ ભાજપની છેલ્લાં ૨૨ વર્ષથી રાજ્યમાં ચાલી રહી છે, એની સામે પ્રજામાં આક્રોશ અને અસંષોત છે તેનો પડઘો અમરાઈવાડીના પરિણામમાં પણ જોવા મળે છે. આ પરિણામોથી આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિની દિશા નક્કી થવાની છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે જુઠ્ઠાણાઓ ફેલાવી ભ્રામક પ્રચાર કરી અને લોકોનું ધ્રુવીકરણ કરાવીને મતની રાજનીતિ કરી રહી છે અને એની સામે ભ્રષ્ટાચાર વ્યાપક છે અને મંદીનો માહોલ લોકો સહન કરી રહ્યા છે. મોંઘવારીનો માહોલ પણ સહન કરી રહ્યા છે.