પ્રજ્ઞા મહેતા સરકારમાંથી નિવૃત્ત થઈને સરકારી કામ કરે છે !

પ્રજ્ઞાબેન મહેતાએ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જનસેવા કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.  માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત કર્મચારી પ્રજ્ઞાબેન મહેતા એક વર્ષથી પોતાના વિસ્તારમાં મા-કાર્ડ યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ હાથ ધર્યું છે. બોડકદેવ વિસ્તારમાં મા-કાર્ડના લાભાર્થીઓની સંખ્યા ૬૦૦ ને પાર પહોંચી છે. બોડકદેવ વિસ્તારના લોકો પ્રજ્ઞાબહેનની સેવાથી ખૂબ ખુશ છે.

ગુજરાત સરકારમાં કારકુન તરીકેની સેવાનો બહોળો અનુભવ હોવાથી તેઓ કાગળ અને દસ્પેતાવેજોનું કામ સારી રીતે જાણે છે. તેમની પાસે યોજનાઓની માહિતી છે. તેઓ કહે છે કે, ‘મારે બેઠાડું જીવન જીવવું નથી પણ લોકો માટે કાર્યરત રહેવું છે, એ નિર્ધાર નિવૃત્તિના દિવસે જ કર્યો હતો.’

લોકોને જરૂરી દાખલા-પ્રમાણપત્રોની અરજી માટે પ્રજ્ઞાબેન પોતાના ખર્ચે પણ સેવાસદન લઇ જવા લાવવાની જરૂર પડ્યે નિસ્વાર્થ સેવા કરે છે. પ્રજ્ઞાબેન સોસાયટી અને કોમ્યુનિટી હોલમાં લોકોને એકઠા કરી યોજના બાબતે માહિતી આપી સમુહમાં યોજનાનો લાભ મળે તેવું અયોજન કરે છે.

મા-કાર્ડ યોજનાના લાભાર્થી ચંદ્રિકાબેન પટેલને છેલ્લા દસ વર્ષથી ઘુટણનો દુખાવો હતો. રાજ્ય સરકારની યોજનાથી તેઓને મા-કાર્ડ મળતાં બંન્ને ઘુટણમાં ની-રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવી શક્યા છે.