પ્રતિસ્પર્ધીઓ વિરૂદ્ધ અરજીઓ કરી શેહજાદે ડ્રગ્સ નેટવર્ક પર કબ્જો જમાવ્યો

અમદાવાદ, તા.29

દોઢ કરોડના એમડી ડ્રગ્સ રેકેટમાં પકડાયેલા પિતા-પુત્ર, ભાગીદાર તેમજ ખેપીયાને અદાલતે છ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ડ્રગ્સના ધંધામાં રહેલા પ્રતિસ્પર્ધીઓની બાતમી આપી શહેજાદે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કબ્જે કરી લીધું છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ડ્રગ્સના કારોબારમાં કરોડો રૂપિયા કમાયેલા શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરીએ ક્યાં રોકાણ કર્યું છે તેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરશે. પકડાયેલા આરોપીઓ વધુ નફો મેળવવા માટે એમડી ડ્રગ્સમાં ચાઈનીઝ ફૂડમાં વપરાતા આજીનો મોટોની ભેળસેળ કરતા હતા. એક કિલોમાં 30 ટકા આજીનો મોટોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે.

શહેજાદ તેજાબવાલાએ તેના ધંધામાં જેટલા હરિફ હતા તે તમામ વિરૂદ્ધ પોલીસમાં અરજી કરાવેલી છે. પોલીસના બાતમીદાર બનીને લગભગ તમામ પ્રતિસ્પર્ધીઓનો ધંધો બંધ કરાવી દઈ છેલ્લા કેટલાક મહિનાઓથી એમડી સપ્લાયનું આખુ નેટવર્ક કબ્જે કરી લીધું હતું. ડ્રગ્સ સાથે પકડાઈ ના જાય તે માટે શહેજાદ છેલ્લા કેટલાય સમયથી લાખો-કરોડોનો માલ કુરીયર કંપની અથવા ટ્રાવેલ કંપનીમાં નજીવી કિંમતે ગોવા-મુંબઈથી અમદાવાદ લાવતો હતો. ક્રાઈમ બ્રાંચે નીતા ટ્રાવેલ્સમાંથી દોઢ કિલો ડ્રગ્સ પકડ્યું તે માત્ર 200 રૂપિયાના ખર્ચે મુંબઈથી અમદાવાદ આવ્યું હતું.

પોલીસથી બચવા માટે શહેજાદ અને ઈમરાન કુલ છ મોબાઈલ ફોન વાપરતા હતા. ડ્રગ્સની ડીલ અંગેની વાતચીત માટે મોકો મળે તો આસપાસમાં હાજર કોઈપણ વ્યક્તિનો ફોન લઈને કોડવર્ડમાં વાતચીત કરી લેતા હતા.

ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓની યાદી બનાવાશે

શહેજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરી સાથે ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓના નામ-સરનામાની યાદી ક્રાઈમ બ્રાંચ બનાવવા જઈ રહી છે. ડ્રગ્સનું વિતરણ કરતા શહેજાદ-ઈમરાનના સ્થાનિક ટપોરીઓ તેમજ અમદાવાદ બહાર ડ્રગ્સનો ધંધો કરતા શખ્સોની એક યાદી તૈયાર કરાશે. ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓના નામ-સરનામાવાળી યાદી જે-તે જિલ્લા પોલીસ અને એજન્સીને આપવામાં આવશે. આ યાદીની મદદથી ડ્રગ્સ રેકેટ ચલાવતા આરોપીઓ પર આસાનીથી નજર રાખી શકાશે. હાલ ક્રાઈમ બ્રાંચ આરોપી શહેજાદ અને ઈમરાન પાસેથી તેની ગેંગમાં જોડાયેલા આરોપીઓની વિગતો મેળવી રહી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મળી આવેલા છ મોબાઈલ ફોનમાંથી પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.