જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગુજરાતના ભાજપના નેતાની અને પ્રધાનના અંગત મદદનીશની લાંચમાં સંડોવણી બહાર આવતા રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. ભાજપને એવો ભય છે કે તેઓ જસદણની ચૂંટણી હારે તેવા સમીકરણ બની રહ્યાં છે. તેથી તુરંત ભ્રષ્ટાચારના આરોપોમાંથી બહાર આવવા માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરી છે. હરી ચૌધરી અને પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશની વધું વિગતો જાહેર ન થાય તે માટે ભરપુર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ભાજપે અત્યાર સુધી કહ્યું છે કે કોઈને ખાવા દેવામાં નહીં આવે. ભ્રષ્ટાચાર થતો નથી. કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરે છે, ભાજપ કરતો નથી. આવો પ્રચાર સતત થતો રહ્યો છે. પણ હરી ચૌધરી અને પરસોત્તમ સોલંકીની કચેરીનો રૂ.2 કરોડની લાંચનો બનાવ બહાર આવતાં ભાજપે જસદણની ચૂંટણીને તેની અસર ન થાય તે માટે કુટનીતિ શરૂ કરી છે.
CBI DIG એમ.કે. સિન્હાએ દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્ફોટક અરજી કરીને કહ્યું છે કે, ગુજરાતના ભાજપના ટોચના નેતા કેન્દ્રીય પ્રધાન હરી ચૌધરીએ કરોડોની લાંચ લીધાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકારના ટોચના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સનસનીખેજ આરોપ મુકયો છે કે, કેન્દ્રની ભાજપ સરકારના કોલસા અને ખાણ રાજ્ય પ્રધાન હરી ચૌધરી ઉપર વ્યાપારી સતિષ સાનાએ મુકેલા આરોપનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં 2018ના જૂનમાં હરી ચૌધરીએ કેટલાક કરોડો રૂપિયાની લાંચ પણ આપવામાં આવી હતી. સિન્હાની 23 ઓકટોબર 2018માં રાત્રે નાગપુર બદલી કરવામાં આવી હતી. જે સામે તેમણે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર ગુજરાતના ભાજપના નેતા હરી ચૌધરીને જે નાણા ચૂકવાયા હતા તે અમદાવાદના વિપુલ ઠક્કર થકી ચૂકવાયા હતા. આ બાબતનો ખુલાસો સાનાએ મારી સમક્ષ 20 ઓક્ટોબર 2018ના રોજ કર્યો હતો. જે અંગેનો રિપોર્ટ મેં તરત જ ડાયરેકટર અને એ.ડી. (એ.કે. શર્મા)ને કર્યો હતો. ગુજરાત ભાજપના નેતા હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ લીધી હતી. CBIના ડાયરેકટર જેમને રીપોર્ટ કરે છે તે પર્સોનલ મંત્રાલય થકી પ્રધાન હરી ચૌધરીએ CBI ઉપર પોતાની વગ વાપરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી હરીભાઈ ચૌધરીએ પીએનબી- નિરવ મોદીના કૌભાંડમાં મોટી લાંચ લીધી હોવાનો આક્ષેપ સીબીઆઈનાં ડીઆઈજીએ સુપ્રીમ કોર્ટમાં કર્યા બાદ ગુજરાત સરકારમાં તથા ભાજપમાં સન્નાટો બોલી ગયો છે. હરીભાઈ સામેના આક્ષેપોની વિગતો સોશિયલ મીડિયામાં ફરવા માંડી હતી. જેને પગલે ગુજરાતમાંથી જ કેટલાય મંત્રીઓ, ધારાસભ્યો – સાંસદો અને સંગઠનના નેતાઓએ હરીભાઈનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાંથી ભાગ્યે જ કોઈ તેમની સાથે વાતચીત કરી શક્યું છે.
હરી ચૌધરી બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા જગાણા ગામમાં રહે છે. તેઓ ભાજપના ટોચના નેતાની નજીક, તેમના વિશ્વાસુ ગણાય છે. તેઓનું વ્યક્તિત્વ પણ લો પ્રોફાઈલ રહ્યું છે. પરંતુ હવે દેશભરમાં ચકચાર જગાવનારા કૌભાંડમાં તેઓએ બે કરોડની લાંચ લીધાની વિગતો બહાર આવી છે. મોટેભાગે હરીભાઈ પોતાના વિસ્તારમાં રહેતા હોય છે. સોમવાર 20 નવેમ્બર 2018માં આરોપો બાદ તેઓ પોતાની ઘરે જ હતા. ભાજપ સંગઠન અને સરકારમાંથી તેમના પર ન બોલવા અને દબાણ કરવા માટે ફોન આવવા લાગ્યા હતા. લોકોના ફોન આવવાનું શરૂ થતાં જ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. ભ્રષ્ટાચારના જવાબો આપવા ન પડે એટલે ઘરના દ્વાર બંધ કરીને અંધકારમાં બેસી ગયા છે. તેમના વિશ્વાસુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેઓ ઘરે નથી, પણ ખરેખરતો તેઓ ઘરે જ હતા. તેમનાં સલામતી રક્ષકો પણ ઘરની બહાર પહેરો ભરીને ઊભા હતા.
કોલસા અને ખાણ રાજ્ય મંત્રી અને ગુજરાતના સાંસદ હરીભાઈ પાર્થીભાઈ ચૌધરીને પણ કેટલાક કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. જોકે હરીભાઈની ઓફિસ તરફથી આ પ્રકારના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.