જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 10 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના પાંચ થી સાત અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના એટલા માટે પ્રબળ બની છે કે અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ સરકારી કાર્યક્રમમાં હાજરી આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે આ ધારાસભ્યએ મંચ પર ઉપસ્થિત રહીને પ્રદેશ આગેવાનોને ચોંકાવી દીધા છે.
370ની કલમ દૂર થતાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવી સંભાવના છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજ્યોના સંગઠનમાં ફેરફાર કરી શકતું નથી તેથી અકળાયેલા કોંગ્રેસના પાંચ થી સાત ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જાય તેવી અટકળો સચિવાલયમાં વહેતી થઇ છે.
કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપ તરફ વધતી જતા કદમ પ્રદેશ કોંગ્રેસમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રધ્યુમનસિંહ જાડેજા જેવા કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યો એવા છે કે તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. આ ધારાસભ્યો એવું માને છે કે અમને મંત્રી નહીં બનાવે તો કંઇ નહીં પરંતુ ભાજપના સિમ્બોલ સાથે અમને સચિવાલયમાં પ્રવેશવાનો મોકો મળશે અને અમારા કામો થશે.
કોંગ્રેસના નારાજ ધારાસભ્યએ કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન અસ્તાચળ ભણી છે. ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ઉભી થઇ શકવાની નથી. કોંગ્રેસ પાસે છેલ્લા 28 વર્ષથી સત્તા નથી અને 2022નું ભાવિ પણ અંધકારમય લાગે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારથી જ 2024 લોકસભાની તૈયારી શરૂ કરી છે ત્યારે કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર આવી શકે તેમ નથી. જમ્મુ-કાશ્મિરમાં કેન્દ્ર સરકારના પગલાંને કારણે દેશમાં આવી રહેલી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને સફળતા મળવાની નથી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે સભ્યો કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવ્યા છે ત્યારે અમારા કામ તેઓ કરશે તેવો સૂર એક ધારાસભ્યએ વ્યક્ત કરી કહ્યું કે અમે ભાજપમાં હોઇશું તો અમારા કામો થશે, વિપક્ષમાં બેસીને અમે કંઇ કરી શકીએ તેમ નથી, કારણ કે કોંગ્રેસના સંગઠનના નેતાઓને ધારાસભ્યોની પડી નથી. મોવડીમંડળ પણ આંખ બંધ કરીને બેઠું છે. કર્ણાટકની સરકાર ગુમાવવા પાછળનું કારણ પણ કોંગ્રેસના નેતાઓ છે. જક્કી અને જડ વલણના કારણે કોંગ્રેસે તેના શાસનમાંથી એક રાજ્ય ઓછું કર્યું છે.