પ્રભાતસિંહ ઢળતી સાંજે ભાજપ સામે બ્યુગલ ફૂંકે છે

પંચમહાલની લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા ભાજપના વરિષ્ઠ  સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બળવો કર્યો છે. લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપતાં પ્રભાતસિંહે ભાજપના દિલ્હીના નેતાને પડકારીને કહ્યું હતું કે, મુળ કોંગ્રેસના એવાને ટિકિટ પૈસા લઈને આપી છે. જે  2017માં પહેલા લુણાવાડાથી અપક્ષ ધારાસભ્યપદે ચૂંટાયેલા રતનસિંહ રાઠોડે એમ વિટામિન (પૈસાથી) ભાજપની ટિકિટ લીધી છે. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પંચમહાલ ડેરી અને બેંકમાં પોતાની સત્તા બચાવવા આ સોદો કર્યો છે. ચાર વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહેલાં પ્રભાતસિંહે પક્ષને પડકારીને જાહેરાત કરી હતી કે તેઓ હવે પછીની લોકસભાની 3 ચૂંટણી ભાજપમાંથી લડશે. ભાજપે જે યાદી બનાવી છે તેમાં આ વખતે પ્રભાતસિંહને ટિકિટ ન આપવા વિચારણા કરી હતી.

તત્કાલિન કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાને લોકસભામાં હરાવનાર પ્રભાતસિંહની ટિકિટ કપાતા તેમણે કાલોલ, ઘોઘંબા સહિત મતક્ષેત્રમાં સર્મથકોની વચ્ચે પ્રવાસ શરૂ કર્યો છે. ગુરૂવારે ટેકેદારોની સભાને સંબોધતા તેમણે કોઈએ ભાજપને મત આપવો નહી. 1લી એપ્રિલે હું અપક્ષ ઉમેદવારી કરૂ છું. એવી જાહેરાત કરી હતી.

જેઠા ભરવાડ જાણતા હતા કે પ્રભાતસિંહ જીતશે તો ડેરી અને બેંક બંને જશે. કોંગ્રેસમાંથી આવેલા રતનસિંહને ટિકિટ અપાવી છે. પાર્ટીને બદલે ઉપરથી ટપકેલાને ટિકિટ મળતા વર્ષોથી સામાપ્રવાહે સંઘર્ષ કરતા ભાજપના પાયાના કાર્યકરો પણ રતનસિંહનું નામ જાહેર થતા નારાજ હતા. ત્યારે પ્રભાતસિંહના અપક્ષ ઉમેદવારીના એલાનથી ભાજપમાં દાવાનળ ભડક્યો છે. તેને ઠારવા હાઈકમાન્ડે પ્રભારી પરાક્રમસિંહ જાડેજાને ઉતાર્યા પછી પણ ચૌહાણ ટસના મસ થયા નથી.

પ્રભાતસિંહ ચૌહાણે અપક્ષ ઉમેદવારી કરવાનું જાહેર કરી ગામેગામ સમર્થકોની સભાઓ યોજતા ભાજપે જાહેર કરેલા ઉમેદવાર રતનસિંહ રાઠોડે વર્તમાન સાંસદને સમજાવવા આકાશપાતળ એક કર્યુ હતુ. તેઓ પ્રભાતસિંહને અડીને આવેલા મકાનમાં રહેતા ભાજપના ધારાસભ્ય અને પ્રભાતસિંહના પુત્રવધુ સુમનબહેન ચૌહાણને મળ્યા હતા. સુમને કહ્યું હતું કે, મારા સસરા નારાજ હોય તે સ્વાભાવિક છે, હું પાર્ટી સાથે છું, અને પાર્ટી સસરાને પણ મનાવી લેશે તેવો મને વિશ્વાસ છે.

પત્રકારોને ધમકી
નેશ ખાતે હનુમાનજીના દર્શન કરી ભાજપના કાર્યકરોની સાથે બેઠક કરી હતી. જેની જાણ થતાં મીડીયા કર્મીઓ પહોંચી જતાં તેઓને કેમેરા બંધ કરો. આ જગ્યા છોડી દો. કોઈ કવરેજ કરવાનું નથી નહિ તો ફટકારવામાં આવશે. ઠાસરા તાલુકાના નેશ ગામમાં ભાજપના કાર્યકરો દ્વારા તેમનો બહિષ્કાર કરીને મિટિંગ માંથી ચાલતી પકડતાં પ્રભાતસિંહ ચૌહાણ ડઘાઈ ગયા હતા. જેને લઈ પ્રભાતસિંહ ચૌહાણે પિત્તો ગુમાવી લઈ હાજર પત્રકારોને પોતાની બાહુબલી નેતાની સ્ટાઈલમાં કવરેજ અટકાવી દો, નહિંતર માર પડશેની ધમકી આપી હતી.

મારા ટેકેદારો સાથે બેઠક યોજીશ અને તેઓના આદેશ અને તેમની જે ઈચ્છા હશે તેમ હું કરીશ પરંતુ હું ચુંટણી તો લડીશ. 2009માં મને હરાવવા માટે શંકરસિંહ સામે મને ટિકિટ આપી હતી. 2014 માં પણ તમે મને સારી બહુમતીથી જીતાડ્યો હતો. 2019ની ચુંટણી જાહેર થતા મેં પણ ટિકિટની માંગણી કરી હતી. અમિત શાહને મળ્યો હતો, ત્યારે અમિત શાહે મને ઉંમરનું બહાનું બતાવ્યું હતું. ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે મારી જન્મ તારીખ ખોટી છે મારી સાચી જન્મ તારીખ મારા મોટા ભાઈએ હાથથી લખેલી છે તે તેમને મેં બતાવી હતી, ત્યારે તેમણે વિચારીશું તેમ જણાયું હતું.

ડેરીનું રાજકારણ

ટિકિટ કપાવા પાછળનું મુખ્ય કારણ પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક છે. આ બંને સંસ્થાઓ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા વચ્ચે એક જ છે. જેનું વિભાજન કરી અલગ અલગ સ્થાપનની માંગ કરેલી છે. જે જેઠા ભરવાડને પરવડે તેમ નથી. માટે તેમણે સ્થાનિક નેતાઓનો સંપર્ક કરી રતનસિંહ રાઠોડને ઉભા કરી તેમને ટિકિટ આપવી છે. જેઠા ભરવાડે મને ટિકિટ કોઇપણ સંજોગોમાં ન મળે તે માટે વિટામીન એમ (રૂપિયા) સહિતના પ્રલોભનો આપી મારી ટિકિટ કપાવી છે. જો રતનસિંહ સાંસદ બને તો લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડે અને તે બેઠક પર મહીસાગર જિલ્લાના હાલના ભાજપ પ્રમુખ જે.પી પટેલ ધારાસભ્ય બને તેવું જેઠા ભરવાડનું સેટિંગ છે. તેમણે એક કાંકરે 3 પક્ષી માર્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ પણ કહેતા હતા કે પંચમહાલ લોકસભા બેઠકનો ઉમેદવાર તો પંચમહાલ જિલ્લાનો જ જોઈએ. તો પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલયે તેમણે રતનસિંહ રાઠોડનું સ્વાગત કેમ કર્યું.

આગમી 1 એપ્રિલના રોજ તેઓ ઉમેદવારીપત્ર ભરશે જ પરંતુ તે કોઈ પક્ષમાંથી ભરશે કે અપક્ષ ઉમેદવારી નોંધાવશે તે અન્ય કાર્યકરો સાથે બેઠક યોજીને આવતીકાલે નિર્ણય જાહેર કરશે તેમ જણાવ્યું હતું. પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કાલોલ ખાતે યોજેલી બેઠકમાં કાલોલ નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયત કાલોલના સભ્યો તેમજ લઘુમતી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

પ્રભાતસિંહના અગાઉના વિવાદો પણ ઘણાં ચોંકાવનારા છે.

દારુ વિના ચૂંટણી ન જીતાય

દારૂ વિના ચૂંટણી જીતાતી નથી એવા પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે 28 સપ્ટેમ્બર 2018માં આ નિવેદન કર્યું હતું. અગાઉ તેમણે પક્ષ સામે બગાવત કરીને ટિકિટ માંગી હતી. દારૂ અંગેનું તેમનું આ નિવેદન અનેક વખત કરી ચૂક્યા છે. જેનો વીડિયો પ્રજાની વચ્ચે ફરી રહ્યો છે છતાં પ્રદેશ કે રાષ્ટ્રીય ભાજપના નેતાઓએ તેમની સામે પગલાં લીધા નથી.

પ્રભાતસિંહ પોતે ગુજરાત સરકારની દારૂબંધી, ચૂંટણી પંચ અને ભાજપને પડકારી રહ્યાં હોવા છતાં તેમની સામે કોઈ પગલાં નહીં ભરીને ભાજપના નેતાઓએ નૈતિકતા ગુમાવી દીધી હોવાનું ગાંધીનગરના ભાજપના કાર્યકરો માની રહ્યાં છે. વાઇન (દારૂ) વીના ચૂંટણી જીતી શકાતી નથી. ગોધરા ખાતે લોકજન શક્તિ પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ભાજપના સાંસદ પ્રભાતસિંહે આ નિવેદન આપ્યું હતું. તેથી તે અત્યંત ગંભીર છે. આ બેઠકમાં તેમણે એવું પણ કહ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં હું જંગી બહુમતિથી જીત્યો છું, આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ 2.50 લાખની બહુમતિથી હું જીતવાનો જ છું અને આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડવાનો છું. સાંસદે વધુમાં જણાવ્યુ કે, મને પંચમહાલમાં કોઈ હરાવી શકે તેમ નથી. આમ તેઓ સીધા જ પક્ષને પડકારી રહ્યાં હોવા છતાં પક્ષ દ્વારા તેમની સામે કોઈ શિસ્તભંગના પગલાં ભરવામાં આવતાં નથી.

મારી ટિકિટ કાપનાર જન્મ્યો નથી

તેમણે ભાજપે પડકાર ફેંકીને જાહેર કર્યું હતું કે, આગામી ૩ ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચૂંટણી લડશે. તેમાં વિજયી પણ બનશે. પંચમહાલ જિલ્લામાં તેમને હરાવી શકે તેવુ કોઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મારી સામે નહીં હોય અને વર્ષ 2019, 2025, 2030નાં સાંસદ સભ્ય તરીકે હું જ સભ્ય રહીશ અને રહેવાનો છું. 2019ની લોકસભાની ચૂંટણીમાં મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો જ નથી. ભલે મારી ઉમર 77 વર્ષની હોય પણ હું આગામી 3 ટર્મ સુધી લોકસભાની ચૂંટણી લડવાનો છું. પંચમહાલ જિલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ નથી. પાછળથી પક્ષે તેને ઠપકો આપતાં તેમણે આ નિવેદન અંગે કહ્યું હતું કે આ નિવેદન મારા વિરોધીઓ માટે હતું.

ભાજપમાં કુટુંબ વાદ

ભાજપ માટે કલોલ બેઠક કાયમ કકળાટ ભરી રહે છે. 2017મા ભાજપે પ્રભાતસિંહના પત્નીને બદલે પુત્રવધૂને ટિકિટ આપતા આખો મામલો પડકારાયો હતો. પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણ ઘોઘંબા તાલુકા પંચાયતનાં પ્રમુખ છે જ્યારે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા પંચાયતમાં સભ્ય છે. ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પત્ની રંગેશ્વરી માટે ટિકિટ માંગી હતી. પણ ભાજપના નેતાઓએ ધારાસભ્ય અરવિંદ રાઠોડની ટિકિટ કાપીને પ્રભાતસિંહના પુત્રવધૂ સુમન ચૌહાણને ટિકિટ આપી હતી. જેનો વિરોધ ભાજપના કાર્યકરોએ કર્યો હતો. આ બેઠક પર જ્ઞાાતિવાદી રાજકારણ હાવી રહ્યુ છે. પ્રભાતસિંહ ચૌહાણ ઓબીસીમાંથી આવે છે. આ બેઠક પર ઓબીસી વોટર્સની સંખ્યા ખૂબ વધારે છે, એટલું જ નહીં પ્રભાતસિંહનો કોઈ નજીકનો પ્રતિસ્પર્ધી પણ ન હોવાના કારણે તેઓ આવો દાવો કરી રહ્યા છે તે વાત સમજી શકાય તેમ છે.

યુવાન સાસુ અને પ્રોઢ પુત્રવધૂનો જંગ

પ્રભાતસિંહ ચૌહાણના પત્ની કોણ ને પુત્રવધૂ કોણ એ સવાલ પૂછાવા લાગ્યો છે. તેનું કારણ પ્રભાતસિંહનાં પત્ની યુવા છે ત્યારે જ્યારે તેમનાં પુત્રવધૂ પ્રૌઢા છે. રંગેશ્વરી વસાવા સાથે પ્રભાતસિંહનાં આ ચોથાં લગ્ન છે જે પતિથી 42 વર્ષ નાનાં છે. પ્રભાતસિંહ ચૌહાણની વય હાલમાં 77 વર્ષ છે જ્યારે રંગેશ્વરી ચૌહાણની વય માત્ર 36 વર્ષ છે જ્યારે બીજી તરફ તેમનાં પુત્રવધૂ સુમનબેનની વય 51 વર્ષની છે. આમ પુત્રવધૂ પોતાનાં સાસુ કરતાં 16 વર્ષ મોટી છે. રંગેશ્વરી ચૌહાણ સત્તાવાર રીતે પોતાનું નામ રંગેશ્વરી વસાવા જ લખાવે છે. પુત્રવધૂ સુમનબેનને ટિકિટ આપતા પ્રભાતસિંહના કુટુંબમાં મહાભારત શરૂ થયું હતું અને તેમની પત્ની રંગેશ્વરીબેન છંછેડાયા હતા. જોકે પ્રભાતસિંહે બાદમાં તેમનો પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ (સુમનબેનનો પતિ) બૂટલેગર છે તે સંદર્ભનો પત્ર તેમના લેટરપેડ પર લખીને શાહને પાઠવ્યો હતો. ભાજપની કથની અને કરણીમાં ફેર છે જ તેનો ઉત્તમ નમૂનો કાલોલ બેઠક છે. અંતે સાસુવહુ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. વહૂ સુમનબેન ફોર્મ ભરવા ગયા ત્યારે તમામે ઉપસ્થિત રહી આશિષ પણ પાઠવ્યા હતા. પક્ષ પ્રમુખની સભા યોજાઇ હતી તેમાં સ્ટેજ પર પ્રભાતસિંહ ચૌહાણ, તેમની ચોથી પત્ની રંગેશ્વરી ચૌહાણ, બૂટલેગર પુત્ર પ્રવીણસિંહ અન તેમનો પૌત્ર સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા હતા. આમ વંશવાદ અહીં ભાજપમાં પૂરબહાર ફૂલ્યોફાલ્યો છે.

પત્નીએ પ્રભાતસિંહને ફેસબૂક પર ધમકી આપી

પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર તો ઉમેદવારનું નામ જાહેર થતાં ભાજપના સાંસદ પ્રભાતસિંહના ઘરમાં જ ભડકો થયો હતો. પ્રભાતસિંહના પત્ની એક કાર્યક્રમને બાદ કરતાં પોતાની પુત્રવધૂ માટે પ્રચાર કરતાં જોવા મળ્યાં નથી. પોતાના બદલે વહુને ટિકિટ મળી હોવાની જાણ થતાં જ પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણે આવેશમાં આવી ફેસબૂક પર પ્રભાતસિંહને ધમકી આપી હતી. જેને તેમણે ગણતરીની મિનિટોમાં ડિલિટ પણ કરી નાખી હતી. 77 વર્ષના પ્રભાતસિંહે પોતાના 40 વર્ષના પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે ટિકિટ માગી હતી, અને જો ટિકિટ ન મળે તો પક્ષ છોડી દેવાની પણ ધમકી આપી હતી. રંગેશ્વરીએ પોતાના પતિ સાંસદ પ્રભાતસિંહ અંગે લખ્યું હતું કે, તમે માનું દૂધ પીધું હોય તો કાલોલ પ્રચાર કરવા આવજો, અ મારી ખૂલ્લી ચેલેન્જ છે. કાલોલમાં 21 જણાએ ટિકિટ માંગી હતી, તે બધા શું વાંઢા હતા કે કોઈની પત્નીને નહીં અને સુમન ચૌહાણને જ ટિકિટ આપવામાં આવી ? જેમણે મેન્ડેટ આપેલો છે તેમને પૂછજો કે કેટલાં મતદાન મથક અહીં છે, વિધાનસભા એટલે શું ? કાલોલમાં અઢી લાખ મતદારો છે તેમાંથી કોઈની પત્ની ન મળી ટિકિટ આપવા ? જો પાર્ટીએ 150 બેઠકો જીતવી હોય તો એવા ઉમેદવારો પસંદ કરવા જોઈએ કે જેમણે જનતા માટે કામ કર્યું છે.

પત્રકારને ધમકી

પોતાની પત્નીને માટે કાલોલ બેઠક માટે ભાજપની ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરવાની ચિમકી 2017માં તેમણે આપી હતી. ત્યારે પણ તેમની સામે કોઈ પગલાં ભરાયા ન હતા. કાલોલ બેઠક માટે તેમના પુત્રવધૂને ટિકિટ ભાજપે આપીને આડકતરી રીતે પ્રભાતસિંહને પડકાર્યા હતા. પણ તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પત્ર લખીને કાલોલ બેઠક અંગે પુનઃવિચારણા કરવા માટે માંગણી કરી હતી. જેનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું. આ પત્ર અંગે એક ટીવી પત્રકારે પ્રશ્ન કર્યો ત્યારે પ્રભાતસિંહ ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકારનું કાંડુ પકડીને ધમકી આપતાં કહ્યું હતું કે તારે માર ખાવો છે, માર. એમ કહીને તેમણે કેમેરાને હડસેલી દીધો હતો. ત્યાંથી તેઓએ તુરંત ચાલતી પકડી હતી.

શું હતો એ સ્ફોટક પત્ર

25 નવેમ્બર 2017માં સાંસદ પ્રભાતસિંહે પક્ષના પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, કાલોલમાં ભાજપ હારે તો, જવાબદારી મારી નહીં. મારો પુત્ર પ્રવિણ બુટલેગર છે અને સી કે રાહુલજીની ક્વોરીમાંથી 300 પેટીઓ દારૂ મળી હતી તે દારૂની પેટીઓ પ્રવિણની હતી. પ્રવિણ હાલમાં પણ દારૂનો વેપાર કરે છે જેના ભાગરૂપે ભાજપ દ્વારા ચૂંટણી માટે પ્રવિણની પત્નીને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ ચૂંટણીમાં હારશે. સાસુ-વહુ બંનેએ ટિકિટ માંગી હતી, અને પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂને ભાજપે ટિકિટ આપી છે.

પ્રવિણસિંહ વિરુદ્ધ પ્રભાતસિંહ

પ્રભાતસિંહને પાંચ પુત્ર છે ને તેમાંથી સુમનબેનના પતિ પ્રવિણસિંહ બીજા નંબરના છે. પ્રવિણસિંહ બુટલેગર તરીકે કુખ્યાત રહ્યાં હતા. તેઓ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી હારી ગયા હતા. પ્રવિણસિંહે પોતાના પિતા વિશે કહ્યું હતું કે આ ડોહાની મતિ મારી ગઈ છે. અમે તેમને પિતા માનતા જ નથી ને અમે બધાં તેમનાથી ત્રાસી ગયાં છીએ. વિનાશકાળે વિપરિત બુદ્ધિ જેવો તેમનો ઘાટ થયેલો છે. તેમને પોતાની ઉંમરનો મલાજો નથી. 77 વર્ષની તેમની ઉંમર છે તે રંગેશ્વરી તેમની ચોથી પત્ની છે. સાંસદે ટિકિટ પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે માંગી હતી. પરંતુ આ બેઠક માટે પુત્રે પણ દાવો ઠોક્યો હતો. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે તો એટલે સુધી ધમકી આપી હતી કે જો ટિકિટ નહીં આપે તો તેઓ પાર્ટી છોડી દેશે. પ્રવીણ સિંહ ભાજપ છોડી 2016 ડિસેમ્બરમાં કોંગ્રેસમાં સામેલ થયા હતાં, પરંતુ 2017માં ભાજપમાં આવી ઘર વાપસી કરી હતી. તેમના પત્ની સુમનબેન ચૌહાણને ટિકિટ મળતા ભાજપનો ભરપુર પ્રચાર કર્યો હતો. અને સુમનબેન ચૌહાણ જીતી પણ ગયા હતા. 4 એપ્રિલ 2018માં પ્રવિણસિંહનું અવસાન થયું હતું.

ગુજરાત સરકારને પડકાર

1 જૂન 2018માં ગુજરાત સરકારે જળસંચય યોજના કરી ત્યારે પ્રભાતસિંહે ભાજપ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, આ યોજના પંચમહાલમાં ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું હતું કે પંચમહાલની નદીઓમાંથી મોટાભાગે ગેરકાયદેસર રેતી ઉપાડી જવામાં આવી છે. તેથી પાણીના સ્તર નીચે ગયા છે. તેથી ચેક ડેમ બનાવે તો પણ પાણીનું સ્તર ઊંચું આવવાનું નથી. જંગલોમાં ગેરકાયદે વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે. તેને રોકવા માટે મેં કહ્યું પણ તેમાં કંઈ થયું નથી. વૃક્ષો વિના વરસાદ ક્યાંથી આવશે. લાડકા અને રેતી ચોરતા વાહવનોની વિગતો તેમણે જાહેર કરી હતી. હું ભાજપનો સંસદ સભ્ય હોવા છતાં મારું અધિકારીઓ સાંભળતા નથી. જે રીતે અત્યારે કામ ચાલી રહ્યું છે તેનાથી ક્યારેય જળસંચય અભિયાન ક્યારેય સફળ નહીં થાય. તુરંત વન પ્રધાન ગણપત વસાવાએ કહ્યું હતું કે, જળસંચય અભિયાનથી પાણીનો સંગ્રહ થશે તેથી દુષ્કાળ પણ નહીં પડે. અભિયાન સફળ રહ્યું છે. આમ અહીં વન પ્રધાન અને ભાજપના સાંસદ જાહેરમાં સામ સામે આવી ગયા હતા.
પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પંચમહાલના સાંસદના વધુ એક નિવેદનને પગલે વિવાદ સર્જાયો છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ગોધરા ખાતે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી. આ સંદર્ભે મીડિયા સાથે વાતચીતમાં પ્રભાતસિંહ ચૌહાણને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી.

આ સંદર્ભે કોંગ્રેસના મનીષ દોશીએ જણાવ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે રીતે નિવેદન આપ્યું અને તે મુદ્દે પૂછવામાં આવતા કોઈ પણ પ્રતિકિયા ન આપી તે અંગે વાસ્તવિકતા એ છે કે ભાજપના સાંસદ અચાનક સાચું બોલી ગયા છે. છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પૈસાની રેલમછેલ, દારૂની રેલમછેલ, સત્તાનો ડર બતાવી અને વહીવટીતંત્રના દુરુપયોગથી સત્તા ટકાવી રહી છે. તેનું એમના સાંસદે જ અનુમોદન આપ્યું છે. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે પણ નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે એવું આજે ભાજપના સાંસદ પ્રભાતસિંહે પણ ગોધરા ખાતે કીધું છે. તેઓ ભાજપના વરિષ્ઠ આગેવાન છે.

આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે પ્લાસ્ટિક પર પતિબંધના બદલે પોટલી પર પ્રતિબંધ મૂકે તો સારું કહેવાય. તેવી જ રીતે નર્મદાના પોલીસ વડાના પત્રમાં જાહેર થયું કે અસામાજિક તત્ત્વોની દારૂની ગાડીઓને પાલીસ પાયલોટિંગ કરીને પહોંચાડે છે. આ બધી વાત બતાવે છે કે ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર છે. ગામથી લઈને ગાધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચાર છે અને દારૂનો કરોડો રૂપિયાનો વેપાર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલે છે, તે મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ.’

( દિલીપ પટેલ)