અમદાવાદ, તા.૧૬
રાજયની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરવાનુ શરૂ કરવામા આવ્યુ છે. પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા કરાયેલા આદેશ બાદ એપ્રિલ સુધીમા કઇ સ્કૂલમાં કેટલા શિક્ષકો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર તેની વિગતોમાં વિભાગ દ્વારા મેળવવામાં આવી હતી. જેમાં કુલ ૪૧૧ શિક્ષકો ગેરહાજર રહ્યા હોવાની વિગતો મળી હતી. વિભાગ દ્વારા ૧૫૭ શિક્ષકો સામે અનધિકૃત ગેરહાજર રહેવા બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શિક્ષકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તેની તમામ વિગતો સાથે પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આગામી તા.૭મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેની પ્રાથમિક શિક્ષણ કચેરીમાં હાજર રહેવા આદેશ કરાયો છે.
રાજયની શાળા અને કોલેજોમાં ઓનલાઇન હાજરી માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રાથિક શાળાઓમા ગત ડિસેમ્બરથી ઓનલાઇન હાજરી પુરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઓનલાઇન હાજરીની પ્રથા શરૂ કર્યા પછી શુ સ્થિતિ છે તે માટે વિભાગ દ્વારા ચાર માસના શિક્ષકોની હાજરીના આંકડાઓ મેળવવામાં આવ્યા હતા. વિભાગને તા.૩૦મી જૂન સુધી મળેલી હાજરીની આંકડાકીય વિગતોમાં ૪૧૧ શિક્ષકો કોઇપણ પ્રકારની રજા મુક્યા સિવાય ગેરહાજર રહ્યા હોવાનુ બહાર આવ્યુ હતુ. જેમાંથી ૧૫૭ શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ૪૧૧ શિક્ષકોમાંથી કોની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો જોઇએ તો અમદાવાદમાં કુલ ૧૬ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આજ રીતે મહેસાણામાં ૧૬ શિક્ષકો જયારે સૌથી વધુ બનાસકાંઠામાં ૪૦ શિક્ષકો, આણંદમાં ૨૪, સુરેન્દ્રનગરમાં ૧૮, સુરતમાં ૨૬, છોટા ઉદેપુરમાં ૨૧, સુરતમાં ૨૫, અરવલ્લીમાં ૧૩ અને અમરેલીમાં ૧૬ શિક્ષકોનો સમાવેશ થાય છે. વિભાગને મળેલી વિગતોમાંથી ૩૨ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. જયારે ૨૩ શિક્ષકો રાજીનામુ આપ્યુ છે. ૫૮ શિક્ષકો નિવૃત્ત થયા છે. જયારે ૩૨ શિક્ષકો બદલી થતા જે તે જગ્યાએ ગેરહાજર બોલતાં હતા. ૪૫ શિક્ષકોની રજા જે તે સત્તાધીશોએ મંજુર કરી હતી. ૧૩ શિક્ષકોને ફરજ મોકુફી કરાયા છે. આમ, કુલ ૧૫૩ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને એવી તાકીદ કરવામાં આવી છે કે, શિક્ષક ગેરહાજર રહેશે તો તેમની અંગત જવાબદારી ગણવામાં આવશે, રજા પર રહેતા પહેલા જે તે શિક્ષકે કચેરીની રજા લીધી છે કે નહી તે સહિતના શિક્ષકદીઠ અહેવાલ તૈયાર કરીને તા.૭મી સપ્ટેમ્બર સુધીમાં રૂબરૂમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે.