ગુજરાતી સાહિત્ય જગતના પ્રખર વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે આગવી ઓળખ ઊભી કરી ચૂકેલા ડો. શરીફા વીજળીવાળાને એમના વિવેચનાત્મક નિબંધ સંગ્રહ વિભાજનની વ્યથા માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષ 2018નો પુરસ્કાર મળ્યો. શરીફાબેનના 20-25 વર્ષ જૂના વિદ્યાર્થીઓ એકઠા થઈ એવોર્ડની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ સુરતની વનિતા વિશ્રામ કોલેજના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજ્યો હતો. શરીફાબેનને 25 વર્ષ પછી પણ વિદ્યાર્થીઓનો પ્રેમ મેળવી રહ્યા છે.
તેઓ ગુજરાતી વિષયના પ્રોફેસર છે પરંતુ તેમના શિષ્યો લગભગ બધા જ વિષયોમાં છે. એકલા એવા વિદ્યાર્થી હશે જેમણે એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે ગણિત વિષય રાખ્યો હતો.
શરીફાબેનના તમામ પુસ્તકો સાથેનું એક બેનર તૈયાર કરાવાયું હતું. આ અવસરે એક બુકસેલરે તેમના પુસ્તકો 40 ટકા ડિસ્કાઉન્ટ સાથે ત્યાં મૂક્યા હતા. શરીફાબેનને જે પુસ્તક માટે નેશનલ એવોર્ડ મળ્યો છે તે ગુજરાતના સાહિત્યના ઇતિહાસમાં પહેલું પુસ્તક હશે જે ભારત-પાકિસ્તાનના વિભાજનને સાહિત્યની દૃષ્ટિએ જૂએ છે. શરીફાબેનનું જીવન પણ એટલું જ પ્રેરણાદાયી છે. તેઓ એવા ઘરમાંથી આવે છે જ્યાં સ્કૂલેથી ઘરે આવતી વખતે તેમને વિચારવું પડતું કે આજે ઘરે જમવાનું મળશે કે નહીં. તે પરિસ્થિતિમાં પણ તેમના માતા-પિતાએ તેમનું ભણાવવાનું છોડાવ્યું ન હતું. શરીફાબેન હાલ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. તેમણે 22 વર્ષ સુધી એમટીબી આર્ટસ કોલેજમાં અધ્યાપન કર્યુ હતું.