પ્રેમલગ્નની અદાવતમાં યુવક અને પરિવાર પર હુમલો

અમદાવાદ,તા:૧૧  યુવતીના પ્રેમલગ્નનાં ત્રણ વર્ષ બાદ સમાધાન માટે બોલાવી પરિજનો દ્વારા હુમલો અને ત્યાર બાદ યુવતીનું અપહરણ કર્યાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. યુવતીના પરિજનોએ સમાધાન માટે બોલાવી યુવકના પરિજનો પર સશસ્ત્ર હુમલો અને ત્યારબાદ યુવકના પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકના પરિવારજનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાના પગલે યુવકના પરિવારે તાત્કાલિક પોલીસને ફરિયાદ કરી હતી, અને 108ને પણ બોલાવી લેવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરવાની સાથે યુવતીને તેના પરિજનો પાસેથી છોડાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.

એસ.જી. હાઈવે પરના કારગિલ પેટ્રોલપંપ પાછળ આવેલા મહાલય બંગલોઝમાં રહેતાં ભાવિન શાહ અને પલક દેસાઈ નામની યુવતીએ પ્રેમસંબંધ બાદ પરિવારજનોની અસહમતી હોવા છતાં ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી લીધાં હતાં.

પુત્રીના પ્રેમલગ્નથી નારાજ પરિવારે પુત્રી સાથે સંબંધ કાપી નાખ્યો હોવા છતાં યુવકના પરિવારે અનેક વખત સમાધાનના પ્રયાસ કર્યા હતા, જેના પગલે ત્રણ વર્ષ બાદ યુવતીનાં માતા-પિતા આખરે સમાધાન માટે તૈયાર થયાં હતાં. સમાધાન માટે નવરંગપુરા જૈન દેરાસરની ઓફિસમાં મળવાનું નક્કી કરાયું હતું.
દેરાસરની ઓફિસ ખાતે વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક સશસ્ત્ર ટોળું ધસી આવ્યું હતું અને યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં યુવક અને તેનો પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ઈજાગ્રસ્ત યુવક ભાવિને આ અંગે ફરિયાદ નોંધાવી છે, તેમજ જિતુ દેસાઈ, વાસુ રબારી, જિગર રબારી સહિત 10 લોકોનાં નામ લખાવ્યાં છે.