પ્રેમલગ્ન કરનારી પરિણીતાનો ત્રણેક વખત ગર્ભપાત કરાવી કાઢી મૂકી

અમદાવાદ, તા.12

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને બેથી ત્રણ વખત ગર્ભપાત કરાવી નાખ્યા બાદ પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. પતિ, સાસુ, સસરા, નણંદ અને પતિની બીજી પત્નીએ ગડદા-પાટુનો માર મારીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે અંગે પરિણીતાએ પતિ સહિતનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે પ્રેરણા કોમ્પ્લેક્સમાં રહેતાં ટીનાબેન દેવાંગભાઈ રાવલ પોતાના પતિ, સાસુ, સસરા, નણંદ સાથે રહે છે. ટીનાબેનનાં લગ્ન વર્ષ 2011માં સુરત ખાતે સમાજના રીતરિવાજ મુજબ આંતરજ્ઞાતીય થયાં હતાં, એટલે કે ટીનાબેન અને દેવાંગનાં પ્રેમલગ્ન હતાં. તે સમયે તેઓ સુરત રહેતાં હતાં ત્યારે દેવાંગે સમજાવી ફોસલાવીને બેથી ત્રણ વખત ગર્ભપાત કરાવ્યો હતો. ટીનાબેનના આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી તેમનાં સાસુ, સસરા અને નણંદને ગમ્યું નહોતું, આથી તેઓ અવારનવાર મેણાં-ટોણાં મારતાં તેમજ વાતવાતમાં ઝઘડો કરતાં હતાં. આ દરમિયાનમાં ટીનાબેનને વર્ષ 2017માં એક દીકરીનો જન્મ થયો હતો. જો કે દીકરીના જન્મના બાદ ટીનાબેનને જાણ થઈ હતી કે, તેના પતિએ વર્ષા તેરૈયા નામની છોકરી સાથે લગ્ન કરી લીધાં છે.

ગત તા. 7 ઓક્ટોબરની રાતે વર્ષા તેરૈયાએ ટીનાબેનને ગાળો આપીને કહ્યું હતું કે, તું અહીંથી જતી રહે, નહીં તો તને જાનથી મારી નાખીશ. આ પછી તેના બીજા દિવસે પતિ દેવાંગ, સાસુ ગીતાબેન, સસરા જયેન્દ્રભાઈ, નણંદ ફોરમે એકસંપ કરીને ટીનાબેનને તેમની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. આ મામલે ટીનાબેને પતિ, દેવાંગ, સાસુ ગીતાબેન, સસરા જયેન્દ્રભાઈ, નણંદ ફોરમ અને વર્ષા તેરૈયા સામે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.