પાટણ તાલુકાના સંખારી ગામની સીમમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડા ઝાડ પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.નાનાભાઈના પગ હલતા જોઈ દોડી ગયેલા મોટાભાઈએ બંનેને ખભા પર ઊંચકી લઈ નીચે ઉતાર્યા હતા.જોકે યુવતીનું મોત નીપજ્યું હતુ. યુવક કંઈ બોલી શકતો ન હોઈ તેને સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
પાટણ તાલુકાના ખીમીયાણા ગામ ના યુવક વિજયજી પોપટજી ઠાકોર ને ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામની પરણિતા આરતીબેન રમેશજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને જણા રવિવારે બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા સાંજે આ બાબતની જાણ થતાં યુવતીના પરિવારજનોએ બે દિવસમાં તેમની દીકરી પરત લાવી આપવા માટે યુવકના પરિવારજનો ને જાણ કરી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં આ યુવક-યુવતીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેઓ રાત્રે મળ્યા ન હતા બાદમાં સોમવારે સવારે યુવકનો મોટોભાઈ અજિતજી પોપટજી ઠાકોર અને તેના કાકાનો દીકરો ભરતજી ભોપાજી ઠાકોર બંને શોધખોળ માટે નીકળ્યા હતા ત્યારે ખીમીયાણા મહેમદપુર ગામની વચ્ચે સંખારી ગામની સીમમાં તળાવ નજીક બાઈક પડેલું હતું જેથી આસપાસમાં શોધખોળ કરતા ઝાડી માં લીમડાના ઝાડ પર વિજય અને આરતી ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા.
વિજયના પગ સામાન્ય હલતા હતા તેણે તાત્કાલિક બંને યુવક યુવતીને તેના ખભા પર લઈ ઊંચકી લીધા હતા અને ભરતજી ઠાકોરે લીમડા સાથે બાંધેલી ઓઢણી છોડી લીધી હતી.બંનેને નીચે ઉતાર્યા તે વખતે વિજય બેભાન જેવી હાલતમાં હતો તેની આંખો ખુલતી હતી અને બંધ થતી હતી તે પાણી પીવા માટે ઈશારો કરતો હતો જેથી તેનો ભાઈ દોડીને તાત્કાલિક નજીકના ટ્યુબવેલ પરથી પ્લાસ્ટિકની થેલીમાં પાણી લઈ આવ્યો હતો અને વિજયને પાણી પીવડાવ્યું હતું.અજિતજીએ યુવતીને આરતી…….. આરતી તેમ કહી બોલાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બોલી ન હતી બાદમાં પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પાટણ તાલુકા પોલીસ દોડી આવી હતી અને વિજયને પ્રાઇવેટ વાહનમાં સારવાર માટે ધારપુર સિવિલમાં દવાખાને લઈ જવામાં આવ્યો હતો તેવું અજિતજી ઠાકોરે જણાવ્યું હતું.
આ અંગે પાટણ તાલુકા પોલીસ ના એ.એસ.આઇ અહમદભાઇ એ જણાવ્યું હતું કે યુવક યુવતી ને પ્રેમ સંબંધ હતો તેમણે ગળેફાંસો ખાધો હતો જેમાં યુવક બચી ગયો છે અને યુવતીનું મોત થયું છે.યુવકની પૂછપરછ બાકી છે યુવતીનું પાટણ સિવિલ ખાતે પીએમ કરવામાં આવશે હાલમાં કોઇ શંકાસ્પદ જણાતું નથી. ધારપુર સિવિલના ડો રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે યુવકનું અવાજ નીકળતો નથી સારવાર બાદ બોલી શકશે હાલ સ્થિતિ સારી છે,સીટીસ્કેન કરવામાં આવશે.
યુવતીના ત્રણ માસ પહેલા લગ્ન થયા હતા
પોલીસે જણાવ્યું હતું કે યુવતીના તેના ગામથી નજીકના ભાટસણ ગામે ત્રણેક માસ પહેલા જ લગ્ન થયા હતા તેવું તેના પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.