ફરી એક વખત શહેરની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે આપેલા વચનો યાદ અપાવવા છે

અમદાવાદ,તા:૨૭

ઇતિહાસ વીદ્દ શું કહે છે

ઇતિહાસ કાર પ્રાધ્યાપક રામજી સાવલિયાકહે છે કે, આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભારે ભીલોનેકાબુમાં કરવા નીકળ્યો. કર્ણદેવે આશાવલમાં જ્યાં ભૈરવ દેવીનાં શુકન થયેલાં ત્યાં કોછરબા દેવીનું મંદિર કરાવ્યું, જ્યાં ભિલ્લ પર વિજય મેળવ્યો ત્યાં જયંતિ દેવીની સ્થાપના કરી, કર્ણમુકતેશ્વરનું દેવાલય બંધાવ્યું. અહીં ઈ. સ. ૧૦૭૪ માં કર્ણાવતી નગરી વસાવી,આ નગરને શોભાવતું કર્ણસાગર તળાવ – કાંકરિયા કરાવ્યું. અને કર્ણાવતી નગરમાં રહી રાજ્ય કરવા લાગ્યો.

આ પ્રસ્થાપિત કરે છે કે, કર્ણાવતી પહેલા આશાવલ હતું. તેથી આજે પણ આદિવાસી સમાજ કર્ણવતીના નામનો વિરોધ કરી રહ્યાં છે.
આ ઘટના કર્ણદેવના રાજયકાલના અંતિમ ભાગમાં બની હોવાનું મનાય છે. ઐતિહાસિક અને સાહિત્યના પુરાવા જોઈએ તો, 1030માં અલબેરુનીએ ‘કિતાબ ઉલ હિંદ’ માં અને 1036માં બુધ્ધિસાગરસૂરિએ ‘નિર્વાણ લીલાવતી’ માં આશાવલનો ઉલ્લેખ કર્યો છે. 1094-1143માં ઉદયન વિહાર અને સાંન્તૂ વિહાર બંધાયા. 1284માં મંડપદુર્ગના ઝાંઝણના સંઘે કર્ણાવતીની મુલાકાત લીધી હતી. 1402માં જિનભદ્રસૂરિએ કર્ણાવતીમાં ગ્રંથભંડારો સ્થાપ્યા. આ નગર શ્રીનગર અને રાજનગર તરીકે પણ ઓળખતું1403માં તાતારખાને પિતાને કેદ કરી પોતે સુલતાન તરીકે સત્તા સ્થાપી.

પુરાવા પણ મેળવવાતા નથી

11મી સદીમાં કર્ણાવતીમાં મસ્જિદ અસ્તિત્વમાં હતી. ઈ. સ. 1411માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું. આજના સપ્તેશ્વરના આરા પાસેથી એક ખંડિત શિલાલેખ મળેલો, જેમાં ‘કર્ણાવતી’ શબ્દ વાંચવામાં આવેલો.

જે હાલ મુંબઈના સંગ્રહાલયમાં છે. ભાજપના સત્તાધીશો અમદાવાદ શહેર પર છેલ્લાં 30 વર્ષથી શાસન કરે છે પણ તે શિલાલેખ લાવવા માટે કોઈ જ પ્રયાસ કર્યો નથી.

કર્ણાવતીનું તળ પૂર્વ દિશામાં આશાવલને સ્પર્શ કરતું, રાયપુર દરવાજાથી લઈને કાંકરિયા તળાવ સુધીનો માર્ગ સાંધતો હોય. કેલિકો મિલ, બહેરામપુરાનો નદીકાંઠા નજીકનો ભાગ પૂર્વની સમગ્ર વસાહતનો ખ્યાલ આપે છે.

પૂર્વમાં ‘આશાવલ’ એ માર્ગની પશ્ચિમે જમાલપુરને આવરી લેતી ‘કર્ણાવતી’ અને ઉત્તરનો સમગ્ર વિસ્તાર તે ‘અમદાવાદ’. આ પ્રકારના સંભવને નકારી ન શકાય.

આ નગરની ખૂટતી કડીઓ જોડવા માટે આ વિસ્તારોમાં પુરાત્વીય ખોદકામ થાય તે જરૂરી છે. પ્રાચીન કર્ણાવતીના ભવ્ય વારસાને ઉજાગર કરતાં કેટલાક શિલ્પ-સ્થાપત્યો, હસ્તપ્રતો જળવાયેલી છે.

ઇતિહાસ વીદ્દ રામજી સાવલિયા કહે છે કે, કર્ણમૂકતેશ્વર અને કર્ણમુકતેશ્વર મહાદેવના મંદિરમાં ૧૨-૧૩મી સદીના અવશેષો છે. આમ સમગ્ર રીતે જોતાં આશાવલ – કર્ણાવતીની સમૃદ્ધિ અને સૌંદર્યને તારવી લઈને અહમદશાહે અમદાવાદની રચના કરી હતી.

શું છે વિવાદ

ચૂંટણી જીતવા ગુજરાતમાં અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવાનો રાજકીય માહોલ ઊભો કરવાનું રાજકારણ ભાજપે આજ સુધી રમેલું છે.

30 વર્ષથી આ વાત ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સંઘ આગળ વધારે છે. પોતાની રીતે તેઓ અમદાવાદને કર્ણાવતી કહેવાનો આગ્રહ રાખે છે. તેમના સાહિત્યમાં કે સરનામામાં અમદાવાદની જગ્યાએ કર્ણવતી રાખે છે. લેટર હેડ પર કર્ણવતી લખે છે. પણ પત્રવ્યવહારમાં તો અમદાવાદ જ લખે છે.

30 વર્ષના ગાળામાં અમદાવાદ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપનું શાસન 1996થી આવ્યા છતાં કર્ણાવતી નામ આપ્યું નથી. આવો નિર્ણય લેવાનું ટાળ્યું છે.

વિવાદ

અમદાવાદનું કર્ણાવતી કરવાના ભાજપની સરકારનાં નિવેદનોએ વિવાદ પણ સર્જ્યો હતો કે, કર્ણાવતી પહેલાં આશા ભીલ નામના ભીલ રાજાનું આશાવલ હતું. તે જીતીને રાજા કર્ણદેવે કર્ણાવતી વસાવેલું હતું એવું ઇતિહાસ કહે છે તો પછી પહેલું શહેર તો આશાવલ હતું. કર્ણાવતીના બદલે આશાવલ કેમ નહીં? 1070માં કર્ણાવતી નગર વસાવ્યું. 1094માં દુશશાલ ચૌહાણે, કર્ણદેવને યુદ્ધમાં હરાવી તેની હત્યા કરી.

સપ્તર્ષિના આરાથી ગંગનાથ

કોચરબ ગામ અને પાલડીનું સંસ્કાર કેન્દ્ર તે કર્ણાવતી નગરી હોવાનું મનાય છે. સંસ્કાર કેન્દ્રના બાંધકામ વખતે ખોદકામ કરતાં ઘણાં શિલ્પો મળ્યાં હતાં.

અમદાવાદના સ્થાપકના પૂર્વજો હિંદુ હતા

અમદાવાદની ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સ્થાપના કરનાર ગુજરાતના સુલતાન અહમદશાહના નામ પરથી નગરનું નામ અમદાવાદ પડ્યું. ગુજરાત સરકારના અનુદાનથી પ્રકાશિત ભો. જે. વિદ્યાભવનના અધિકૃત ગ્રંથોમાં જણાવ્યા મુજબ, હિંદુ રાજપૂત પૂર્વજો ધરાવતા દેશી મુસ્લિમ શાસક અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અહમદશાહે સ્થાપેલા આ નગરને હિંદુ રાજા કર્ણદેવના નામ સાથેનું કર્ણાવતીનું નામ આપવાની તાજી હિલચાલમાં રાજકીય લાભ ખાટવાથી વિશેષ કોઈ કવાયત નથી.

હિંદુ રાજપૂતમાંથી મુસ્લિમ થયેલા ગુજરાતના સુલતાનના વંશજ એવા સુલતાન અહમદશાહે વસાવેલા અમદાવાદની બધી મસ્જિદ અલંકારિક રાજપૂત શૈલીમાં શા માટે છે ?

વાજપેઈનો ઈન્કાર

કેન્દ્રમાં વાજપેયીની સરકાર હતી ત્યારે અમદાવાદનું કર્ણાવતી કરવાની ના પાડી દીધી હતી. સંઘની ઈતિહાસ સંકલન સમિતિના સત્તાવાર પ્રકાશનમાં કર્ણાવતીને બદલે આશાવલ નામ જાહેર કર્યું હતું.

અમદાવાદ જિલ્લો કેમ કર્ણવતી જિલ્લો નહીં

ઉતર પ્રદેશમાં ભાજપી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યા જ્યાં આવેલું છે તે જિલ્લાને ફૈઝાબાદને બદલે અયોધ્યા રાખી દીધું પણ સંઘના પ્રચારક નરેદ્ર મોદીએ પોતાના 13 વર્ષના ગુજરાત શાસન અને દેશના 10 વર્ષ સુધીના શાસનમાં અમદાવાદ જિલ્લાનું નામ કર્ણાવતી કે આશાવલ કર્યું નથી. લોકો સાથેની આ છેતરપીંડી છે. રેતીમાં મોં છુપાવવાની આ શાહમૃગ નીતિ છે. નફ્ફટ રાજનીતિ છે.
ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદીએ જામનગરથી અલગ જિલ્લો બનાવીને દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો, જુનાગઢથી ગીર-સોમનાથ જિલ્લો બનાવ્યો પણ અમદાવાદ જિલ્લાને આશાવલ કે કર્ણાવતી ન કર્યું.

ઉત્તર પ્રદેશમાં થયું એટલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદનું કર્ણાવતી કરવાનાં નિવેદન કર્યા હતા.

નિર્ણય ટાળવાનો ૩૦ વર્ષનો વિક્રમ

અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના રોજ ગુજરાતના સુલતાન અહમદશાહે કરી હોવાના ઈતિહાસ અને તેમણે બાંધેલાં સ્થાપત્યોનો અહેવાલ 2016માં યુનેસ્કોને આપીને મુસ્લિમ સ્થાપત્યોના આધારે ભાજપે ભારતના સર્વપ્રથમ હેરિટેજ સિટીને મંજૂર કરાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાને સફળતા મળી હતી. જેમાં દેશના વડાપ્રધાને મદદ કરી હતી.

અહમેદાબાદ સત્તાવાર નામ

અમદાવાદ મહાનગર પાલિકા અને ભાજપ તથા ગુજરાતના લોકો અમદાવાદનું સત્તાવાર નામ AHMEDABAD – અહમેદાબાદ હોવા છતાં ભાજપ અને અમદાવાદ મહાનગર પાલિકા 30 વર્ષોથી ‘AMDAVAD MUNICIPAL CORPORATION’ એવું નામ કરી નાંખ્યું છે. જેનું સરકારી રેકર્ડમાં કોઈ અસ્તિત્વ નથી.

AHMEDABAD તરીકે યુનેસ્કોમાં પણ રજૂ થયું છે. એ રજૂ કરીને હેરિટેજ શહેર તરીકે ગૌરવ ધારણ કરનાર અમદાવાદ માટે કરોડો રૂપિયા મેળવી લીધા છે. તેનો મતલબ કે ભાજપના સત્તાધીશો પૈસા મળતાં હોય તો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે.

1988માં ઠરાવ

અમદાવાદ મહાનગર પાલિકા પર ભાજપનું રાજ 1988માં આવ્યું ત્યારે અહમેદાબાદનું નામ કર્ણાવતી કરવાનો ઠરાવ ખાડિયાના વતની અને શહેરના પહેલા મેયર જયેન્દ્ર પંડિતે પસાર કર્યો હતો. જનતા દળ અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકાર બની ત્યાર બાદ ગુજરાતમાં ભાજપની 6 સરકારો બની છે, પણ કર્ણાવતી ન થયું.

1995માં ભાજપની કેશુભાઈ પટેલની સરકાર બની, 1998, 2001, 2007, 2012, 2017માં નરેન્દ્ર મોદીની સરકાર બની છતાં કર્ણાવતી ન થયું. કર્ણાવતીના મુદ્દે કોંગ્રેસના રાજકીય અપશબ્દો કહેવામાં આવતાં અને ભાજપ સત્તા મેળવતો આવ્યો છે.

રાજા કર્ણદેવનું આક્રમણ

અત્યારે જે અમદાવાદ છે એની પાસે જ અગાઉ આશા ભીલનું આશાવલ કે આશાપલ્લી નગર હતું. આ આશા ભીલ પર ગુજરાતના રાજા અને ઉત્તર ગુજરાતના અણહીલવાડ પાટણમાં રાજધાની ધરાવતા રાજા કર્ણદેવે આક્રમણ કર્યું હતું.

રાજા કર્ણદેવે ભીલ રાજા સાથે યુદ્ધ કરીને ખૂનાખરાબી કરીને આશાવલ કે આશાપલ્લી પર સત્તા સ્થાપી હતી. આશાવલ અને ભીલ-આદિવાસી રાજા આશા ભીલ સાથે અન્યાય કરવા જેવી વાત બને છે.

સુલતાન અહમદશાહે 1411માં સાવ નવા જ શહેર અહમેદાબાદ-અમદાવાદની સ્થાપના કરી હતી. હકીકતમાં અહમદશાહે સ્થાપેલું અમદાવાદ જ છે. કર્ણવતી કે આશાવલ નહીં. અહમદશાહ ભારતના જ હતા કોઈ દેશની બહારથી આવેલા આતંકવાદી ન હતા. એમના પૂર્વજો હિંદુ રાજપૂત હતા. એમના પૂર્વજોએ દિલ્હીના તુઘલક શાસન સાથે બેટીના વ્યવહાર જોડી, ઇસ્લામ કબૂલી ગુજરાતના શાસનને કબજે કર્યું હતું. અમદાવાદ સુધી આણ વર્તાવવામાં તેઓ સફળ થયા હતા.

આશાવલ કેમ નહીં

અહમેદાબાદ ન ગમતું હોય તો કર્ણાવતી જ કેમ કરવું? આશા ભીલનું આશાવલ કે આશાપલ્લી કેમ ન કરી શકાય? આદિવાસી સમાજમાં પણ ભારે અજંપો જોવા મળે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ માને છે કે, ભાજપ ચૂંટણીને લઈને રાજનીતિ કરે છે. અમદાવાદને હેરીટેજનો દરજ્જો આપવાની દરખાસ્તમાં પણ અમદાવાદ નામનો જ ઉલ્લેખ છે. તેમ જ યુનેસ્કોમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં પણ અમદાવાદ નામ જ લખ્યું છે.
આદીવાસી નેતા રોમેલ સુતરીયા માને છે કે, અમદાવાદનું નામ આશાવલ રાખવામાં આવે. આશાવલના મુખ્ય શાસક ભીલ સરદાર હતા અને ત્યાર પછી ચાલુક્ય રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ જીતીને કર્ણાવતી નામ રાખ્યું હતું. તેથી મૂળ નામ આશાવલ જ રાખવું જોઈએ.

આમ હવે નવો વિવાદ છે કે, અમદાવાદનું નામ બદલવું જોઈએ અને ઈતિહાસને સાક્ષી રાખીને જો જોઈએ તો શું નામ આપી શકાય ?