ફરી એક વખત શાળામાં નવરાત્રી વેકેશન, શું ગણેશઉત્સવમાં વેકેશન હોવું જોઈએ ?

ઈ.સ. 2018-19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક
કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલી છે. પણ રમજાન, ક્રશ્મસમાં આ રીતે વેકેશન રહેતું નથી. ગણેશ ઉત્સવમાં શાળાઓ ચાલુ હોય છે. આદીવાસી પ્રજામાં આવા ઉત્સવો દિવસો સુધી હોય છે ત્યાં વેકેશાન આપવામાં આવતું નથી.

વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહેશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી
વેકેશન  30-9-2019થી 7-10-2019 સાથે 8 દિવસનું વેકેશન છે. દિવાળી વેકેશન 25-10-2019થી 6-11-2019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન છે.

2018માં વિવાદ

રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરી દવેએ 15થી 21 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશનની જાહેરાત 2018માં કર્યા બાદ વિવાદ ઊભો થયો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાને જાણ કર્યા વિના લેવાયેલા નિર્ણયનો ભારે વિવાદ થયો હતો. નારાજ CMએ વિભાવરી બેનને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવા ઠપકો આપી દીધો. સરકારે નવ દિવસનું વેકેશન ટૂંકાવી સાત દિવસનું કરી દેવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટની 400 જેટલી સ્કુલોના સંચાલકો દ્વારા નવરાત્રિ વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેથી શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ નવરાત્રિ વેકેશનની નવી તારીખો જાહેર કરવી પડી હતી. 18 ઓક્ટોબરે દશેરાની રજા હતી. 7 દિવસનો કાપ મૂકીને 14 દિવસનું દિવાળી વેકેશન કરી દેવાયું હતું.  5 નવેમ્બર થી 18 નવેમ્બર 2018માં દિવાળી વેકેશન હતું.

ગુજરાત બોર્ડની શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇ ખાનગી શાળા સંચાલકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. બે દિવસમાં સરકાર વેકેશન પરત નહીં ખેંચે તો સંચાલકોએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારીઓ કરી દીધી હતી. જે વેકેશન ન રાખે તે શાળાને રૂ. 1 લાખ સુધીનો દંડ કરવાની મૌખિક સૂચના સરકારે આપી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. સરકારે સીબીએસઇ તથા બીજા બોર્ડની શાળા માટે વેકેશન મરજિયાત કર્યું હતું.