3 સિંહોના રેલ્વેની ટક્કરથી મોત થયા બાદ વધું એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે. 19 ડિસેમ્બર 2018માં 3 સિંહોને રેલ્વેના પાટા પર મોત થયા બાદ ફરી એક બાળ સિંહનો મૃત દેહ મળી આવ્યા બાદ જંગલ વિભાગે જાહેર કર્યું છે કે તેનું મોત કુદરતી થયું છે. અમરેલીના ખાંભા વિસ્તારના ઈંગોરાળા ગામમાં કનુભાઈ કુંજડિયાના ખેતરમાંથી સવારે એક સિંહબાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. ખેતરમાં વાવેલા તુવેરના પાકની વચ્ચે તેનું મોત થયું હતું. ત્રણ મહીનાની તેની ઉંમર હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વનવિભાગે આ સિંહબાળનું મોત કુદરતી રીતે થયું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં સિંહબાળને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. માતા સિંહણ અને અન્ય એક સિંહબાળ સાથેના ગ્રુપમાં અહીં ઈંગોરાળા વિસ્તારમાં વસવાટ કરતું હતું.
ટ્રેનને કચડી નાંખેલા બે સિંહબાળ ન હતા. પુખ્ત હતા
માલગાડીની અડફેટે ચડી જવાથી 3 સિંહોનાં મોત થયા તેમાં બે સિંહબાળ હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે. પણ તે 4 વર્ષના પુખ્ત સિંહ હતા. સરકારે ટ્રેકરો અને રેલવે ટ્રેક પર ચોકી રાખવા માટે માણસો નિયુક્ત કરેલા છે તે પણ સ્થળ પર ન હતા. 6 સિંહોનું ટોળું ટ્રેક પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પીપાવાવ બંદરની માલગાડીથી સિંહ કચડાઈ ગયા હતા. બાકીને ત્રણ સિંહઓ કરુણ ગર્જના કલાકો સુધી કરી હતી. પીપાવાવ રેલ્વે લાઈન ઉપર વારંવાર સિંહ કપાઈ જવાની ઘટના બની રહી છે છતાં તે અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈ અસરકારક પગલાં ભરતા નથી.
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં જાણો કેટલા સિંહના મોત થયા
કેનિન ડિસ્ટેમ્પર વાયરસ અને બાઇટિઓસિસિસ ચેપના કારણે 23 સિંહોના મોત થયાં છે. દેશની સુપ્રીમ અદાલત તેમજ ગુજરાત હાઇકોર્ટે પણ સિંહોના સંરક્ષણને પ્રાધાન્ય આપી સિંહોના રક્ષણની ગુજરાત સરકારને ચેતવણી આપી છે.
પાંચ વર્ષમાં એટલે કે 2015 થી 2018 સુધીમાં ગુજરાતમાં વિવિધ કારણોસર 253 સિંહોના મોત થયાં છે જે પૈકી 20 ટકા સિંહોના અકુદરતી મોતનું કારણ રસ્તા પરના વાહનો, ઇલેક્ટ્રિક શોક, ટ્રેનના પાટા અને ખુલ્લા કુવાઓ મુખ્ય છે.
ગુજરાતમાં 2016-17માં સિંહના શિકારની એક ઘટના બની હતી. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના 9 સિંહ તો ઇલેક્ટ્રિક ફેન્સિંગના કારણે મોતને ભેટ્યાં છે. ખુલ્લા કુવામાં પડી જતાં 3 વર્ષમાં 13 સિંહના મોત થયાં છે.
વડી અદાલતની નોટિસ
ગુજરાત હાઈકોર્ટમાં 21 ડિસેમ્બર 2018માં સુઓમોટો અરજી દાખલ થઈ હતી, અને તેમાં અરજદારે ટ્રેનની ગતિની તપાસની માગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે વારંવાર થતાં સિંહોના મોત મામલે કેન્દ્ર અને રેલવે ખુલાસો આપે. ટ્રેનની ગતિ કેટલી હતી, તેમજ આ વિસ્તાર સિંહોના વસવાટનો છે, તો ટ્રેનની ઝડપ કેટલી હોવી જોઈએ તે પણ નક્કી કરવું જોઈએ. કેન્દ્ર સરકાર અને રેલ્વે ગંભીર થઈને 16 જાન્યુઆરી સુધીમાં ખુલાસો કરે.
રોગ મુક્ત સિંહ અને એનીમિયા મુક્ત મહિલાનું અભિયાન
દલખાણીયા રેન્જમાં મહિલાઓના એનીમિયા રોગના નિદાન અને સારવાર માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગ અને રાજકોટની કિડની હોસ્પિટલ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેમ્પ કરવામાં આવ્યો તેમાં દલખાણીયા, કાંગસા, સેમરડી, સુખપુર અને ગોવિંદપુર ગામની 400થી વધું મહિલાઓએ લાભ લીધો હતો. અભિયાનને રોગ મુકત સિંહો એનીમિયા મુકત મહિલાઓનું નામ આપવામાં આવ્યું છે. મહિલામાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો કેટલીક બીમારીઓનો સામનો કરવો પડે છે. પ્રસૂતિ સમયે મહિલા એનીમિયાથી પીડાતી હોય તો તેના જીવને જોખમ પણ આવી શકે છે.