ફળોના ઉત્પાદનમાં ગુજરાત ચોથા ક્રમે

બાગાયતમાં ફળો એ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. કેળાં, પપૈયાં, જામફળ અને કેરી જેવાં ફળોનું મોટાપાયે વાવેતર થાય છે. ૨૦૧૦-૧૧ માં દેશમાં ફળોનું કુલ ઉત્પાદન ૭૪૮ લાખ ટન થયું હતું જ્યારે ૨૦૧૧-૧૨માં દેશમાં ફળોનું કુલ ઉત્પાદન ૭૬૪ લાખ ટન થયું છે. વાવેતરમાં પણ ૩૦ હજાર હેક્ટરનો વધારો થતાં વાવેતરના વધારાનો લાભ ઉત્પાદનને મળ્યો છે. દેશમાં સૌથી વધુ ફળોનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. મહારાષ્ટ્ર દેશના કુલ ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ધરાવે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ૨૦૧૧-૧૨માં ૩૮ હજાર હેક્ટરમાં વાવેતર પહોંચતાં ૭૭ લાખ ટન ફળોનું ઉત્પાદન થયું હતું. દેશમાં ફળોના ઉત્પાદનમાં ગુજરાત ચોથું સ્થાન ધરાવે છે.

છૂટક ફૂલમાં પશ્ચિમ બંગાળ મોખરે

ફૂલોની ખેતી છેલ્લા એક દાયકાથી દેશમાં ફૂલીફાલી છે. દેશમાં છૂટક ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧.૩૫ લાખ ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. જ્યારે દેશમાં ૧૭ લાખ ટન છૂટક ફૂલોનું ઉત્પાદન થાય છે. જેમાં ગુજરાતનો ફાળો માત્ર ૯ ટકા છે. ફૂલોના ઉત્પાદનમાં ૩.૮૯ લાખ ટનના ઉત્પાદન સાથે ૨૭ ટકા હિસ્સો ધરાવીને પશ્વિમ બંગાળ દેશમાં પ્રથમ ક્રમાંકે છે. એ પછી ૨૨ ટકા ઉત્પાદન અને ૩.૩૨ લાખ ટન ઉત્પાદન મેળવીને તમિલનાડું બીજા સ્થાને છે. એ સિવાય મધ્યપ્રદેશ છૂટક ફૂલોના ઉત્પાદનમાં ૧૦ ટકા કર્ણાટક ૧૫ ટકા અને મહારાષ્ટ્ર ૭ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે હરિયાણા રાજ્ય માત્ર ૪ ટકા ફાળો આપે છે.

શાકભાજીનું ૧૦૦ લાખ ટન ઉત્પાદન

શાકભાજીમાં ક્લસ્ટર એરિયા જાહેર કરી ખેતીવાડી વિભાગ શાકભાજીનું ઉત્પાદન વધારવા પ્રયાસ કરી રહ્યો હોવા છતાં ૨૦૧૧-૧૨માં ગુજરાતમાં ૧૦૦ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન થયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૩૪ લાખ ટન, ઉત્તર પ્રદેશમાં ૧૩૪ લાખ ટન જ્યારે બિહારમાં ૧૫૫ લાખ ટન ઉપરાંત આંધ્રપ્રદેશમાં ૧૨૦ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન થાય છે. મધ્યપ્રદેશ ગુજરાત કરતાં વાવેતર વિસ્તાર ઓછો ધરાવતું હોવા છતાં ગુજરાત કરતાં ઉત્પાદનમાં અગ્રતાક્રમે આવે છે. આમ શાકભાજીના ઉત્પાદનમાં ગુજરાત છઠ્ઠા ક્રમે આવે છે.

છોડના ઉત્પાદનમાં રાજ્યનો એક ટકા ફાળો

આર્િથક દૃષ્ટિએ મહત્ત્વના ગણાતા કાજુ, સોપારી, કોકો જેવા પ્લાન્ટ્સ છોડના ઉત્પાદનમાં દક્ષિણ ભારતનો દબદબો છે. તામિલનાડુ રાજ્ય ૨૯ ટકા જેટલા ઉત્પાદન સાથે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. કર્ણાટક ૨૭ ટકા સાથે બીજું અને કેરલ રાજ્ય ૨૬ ટકા હિસ્સા સાથે ત્રીજો ક્રમાંક ધરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને આસામ જેવાં રાજ્યો માત્ર બે ટકા જેટલો ફાળો નોંધાવી રહ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો પ્લાન્ટ છોડના ઉત્પાદનમાં માત્ર ૧ ટકા જેટલો નજીવો હિસ્સો છે. દેશમાં ૧૬,૩૫૮ ટન કુલ પ્લાન્ટ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે તેમાંથી માત્ર તામિલાનાડુમાં જ ૪,૫૯૨ ટન જથ્થાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં માત્ર ૨૪૦ ટન જેટલું નજીવું ઉત્પાદન થાય છે.

ખાટાં ફળોમાં રાજ્ય પાંચમા ક્રમે

ખાટાશવાળાં ફળોમાં ગુજરાતમાં એકમાત્ર લીંબુનું ઉત્તર ગુજરાતમાં મોટાપાયે વાવેતર થાય છે. રાજ્યમાં ખટાશવાળાં ફળોનું ૪૦ હજાર હેક્ટરમાં વાવેતર થવાની સાથે ઉત્પાદન ૪.૨૫ લાખ ટન થાય છે. દેશમાં ખટાશવાળાં ફળોનું ૭૯.૨૨ લાખ ટન ઉત્પાદન થાય છે. જેમાં આંધ્રપ્રદેશનો ફાળો ૨૮ ટકા છે. આંધ્રપ્રદેશમાં ૧૮.૮૬ લાખ ટન ખટાશવાળાં ફળોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ૧૨ લાખ ટન ફળોનું ઉત્પાદન થાય છે. આ રાજ્યોમાં વાવેતર થતા ખટાશવાળાં ફળોમાં મોસંબી અને લીંબુ જેવાં અન્ય ફળોનો સમાવેશ થાય છે. પંજાબમાં પણ ખાટાં ફળોનું ૯.૪૨ લાખ ટન ઉત્પાદન થાય છે. પંજાબનો કુલ ઉત્પાદનમાં હિસ્સો ૧૪ ટકા છે.

મસાલા પાકોમાં ૧૮ ટકા હિસ્સો

છૂટક ફૂલો અને કાજુ તથા સોપારી જેવા પ્લાન્ટ્સના ઉત્પાદનમાં પાછળ જણાતું ગુજરાત રાજસ્થાન સાથે સંયુક્ત રીતે મસાલા વર્ગના પાકોના ઉત્પાદનમાં દેશમાં ૧૮ ટકા ઉત્પાદન સાથે આગળ પડતું છે. જોકે હળદર, વેનિલા, લવિંગ તથા મરચાં જેવા મસાલા પાકોના ઉત્પાદનમાં દેશમાં ટોચનો ક્રમ તો આંધ્રપ્રદેશ રાજ્ય જ ધરાવે છે. મસાલા પાકોના ઉત્પાદનમાં કર્ણાટક ૧૦ ટકા જ્યારે યુપી,પશ્ચિમ બંગાળ તથા આસામ ૪થી ૫ ટકા ઉત્પાદન હિસ્સો ધરાવે છે. દેશમાં કુલ ૩૨.૧૨ લાખ હેકટરમાં મસાલાપાકોનું વાવેતર થાય છે. જ્યારે કુલ ઉત્પાદન ૫૯.૫૧ લાખ ટન છે. ગુજરાતનો મસાલા પાક વાવેતર વિસ્તાર ૫.૭૧ લાખ જ્યારે ઉત્પાદન ૧૧.૬૮ લાખ ટન છે.

બાગાયતે ૨૫૦૦ લાખ ટન ઉત્પાદનનો આંક વટાવ્યો

૨૦૧૧-૧૨માં બાગાયતે ૨૫ કરોડ ટન ઉત્પાદનનો આંક વટાવી દીધો છે. દેશમાં ૨૦૧૨ના વર્ષમાં ૨૫.૭૨ કરોડ ટન બાગાયત પાકોનું ઉત્પાદન થયું છે. જેમાં કેળાંનું ૨૮૪ લાખ ટન, કેરીનું ૧૬૧ લાખ ટન, રીંગણનું ૧૨૬ લાખ ટન તેમજ ડુંગળીનું ૧૭૫ લાખ ટન ઉત્પાદન થયું હતું. ૨૦૧૦-૧૧માં બટાટાનું ઉત્પાદન ૪૨૩ લાખ ટન થયું હતું જેમાં ૨૦૧૧-૧૨માં ઘટાડો નોંધાતાં બટાટાનું કુલ ઉત્પાદન માત્ર ૪૧૪ લાખ ટન થયું હતું. તો સામે ડુંગળીના કુલ ઉત્પાદનમાં વધારો નોંધાયો હતો. ટામેટાંમાં પણ ખેડૂતોની મહેનત સફળ રહેતાં કુલ ઉત્પાદન ૧૮૬ લાખ ટન થયું હતું જે ૨૦૧૦-૧૧માં ૧૬૮ લાખ ટન જ રહ્યું હતું. ૨૦૧૨ના વર્ષમાં નાળિયેરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો નોંધાયો હતો. નાળિયેરનું કુલ ઉત્પાદન ૧૪૯ લાખ ટન રહ્યું હતું.

દેશમાં બાગાયત પાકોમાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન

૨૦૧૦-૧૧નું વર્ષ બાગાયત પાકોના ઉત્પાદન માટે સારું રહ્યું હતું. આ વર્ષમાં ફળોનું કુલ ઉત્પાદન દેશભરમાં ૭૪૮ લાખ ટન, શાકભાજીનું ૧૪.૬૫ કરોડ ટન, છૂટક ફૂલોનું ૧૦ લાખ ટન જ્યારે નાળિયેર, કાજુ જેવા પાકોનું ૧૨૦ લાખ ટન ઉપરાંત મસાલાપાકોનું ૫૩ લાખ ટન ઉત્પાદન થયું હતું. આમ બાગાયત પાકોનું ૨૦૧૦-૧૧ના વર્ષમાં કુલ ઉત્પાદન ૨૪ કરોડ ટન જ્યારે વાવેતર ૨.૧૮ કરોડ હેક્ટર થયું હતું. બાગાયત પાકોમાં કેળાંનું ઉત્પાદન દેશભરમાં ૨૯૭ લાખ ટન થાય છે જ્યારે કેરીનું ઉત્પાદન ૨૦૧૦-૧૧માં ૧૫૧ લાખ ટન થયું હતું. આ ઉપરાંત રીંગણનું ૧૧૮ લાખ ટન , ડુંગળીનું ૧૫૧ લાખ ટન તેમજ ટામેટાંનું ૧૬૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. દેશમાં નાળિયેરનું ઉત્પાદન પણ ૧૦૮ લાખ ટન થાય છે. બાગાયત પાકોમાં બટાટાનું ઉત્પાદન સૌથી વધુ ૪૨૩ લાખ ટન થાય છે – કરણ રાજપુત