ફાટકમુકત ગુજરાત માટે મહાનગરો, ગામો, શહેરોમાં ઓવરબ્રીજ-અન્ડરબ્રીજ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આગામી નાણાંકીય વર્ષ માટેના આજે નાયબ મુખ્યમંત્રી –
નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા બજેટ – લેખાનુદાનને છેવાડાના માનવીની ચિંતા સાથે તમામ વર્ગોને
આવરી લેતું આધુનિક ગુજરાત, સુવિધાસભર-વ્યવસ્થાયુકત ભાવિ ગુજરાતના નિર્માણની દિશા તય કરનારૂં વિકાસલક્ષી
બજેટ ગણાવ્યું છે.

બજેટમાં વિધવા માતા-બહેનોને પેન્શન રૂ. ૧૦૦૦ થી વધારીને રૂ. ૧રપ૦ કરવા સાથે પુખ્ત વયનો દિકરો હોય તો પણ
પેન્શન આપવામાં આવશે. આંગણવાડી બહેનોના વેતનમાં ૯૦૦ રૂપિયાનો માતબર વધારો, વૃધ્ધો વડીલોની વંદના કરતા તેમને મળતા પેન્શનમાં પણ રૂ. પ૦૦ ના રૂ. ૭પ૦ તથા વાલ્મિકી સમાજ, ગોપાલક સમાજ, કોળી-ઠાકોર બક્ષીપંચના નિગમોમાં વ્યકિતગત લોન-સહાય માટે રૂ. ૧૦૦ કરોડને બદલે રૂ. ૧પ૦ કરોડ ફાળવવાનો નિર્ણય આવકારદાયક છે.
ગરીબ, ગામડુ, કિસાન, મહિલા, યુવા સૌના વિકાસ માટે બજેટમાં જે કોઇને કોઇ પ્રાવધાન કરવામાં આવ્યા છે તેને કીડીને કણ હાથીને મણ સમાન ગણાવ્યા હતા.
રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ અને કેન્દ્રીય વ્યાજ સહાયમાં વિલંબ થાય તો ખાસ સહાય માટે રૂ. પ૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડની જોગવાઇ કિસાન હિતકારી ગણાવી હતી. ધરતીપુત્રોને આધુનિક કૃષિ સાધનો માટે પણ રૂ. પ૦૦ કરોડ ફાળવ્યા છે તેમજ પશુપાલન કરનારા પશુપાલકોને ઊંચી ઓલાદના પશુ માટે પાટણમાં રૂ. ૪૭ કરોડની સેકસ સિમેન લેબ સ્થાપવા અને સ્કીમ્ડ મિલ્ક પાવડર માટે રૂ. ૩૦૦ કરોડ ફાળવવાના નિર્ણયને પણ આવકાર્યો હતો.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રાજ્યના ૪૦ લાખ ધરતીપુત્રોને આવરી
લેવાની બજેટ જોગવાઇને પણ ખેડૂત હિતકારી ગણાવી હતી.
કિસાનોને સૂર્યશકિતથી ખેતી માટે વીજળી ઉત્પન્ન કરવાની સ્કાય યોજનાનો વ્યાપ વધારવા માટે આ વર્ષ ૧૦૦૦ ફિડર કાર્યાન્વીત કરવાની જાહેરાતને સૌર ઊર્જાનું મહાત્મ્ય કરનારી ગણાવી હતી.

એટલું જ નહિ, વન ટાઇમ માફી યોજના અન્વયે ૬.૭૪ લાખ ખેડૂતો અને ગરીબ-મધ્યમવર્ગના ગ્રાહકોને
લાભકારી રૂ. ૬૯૧ કરોડના વીજ લેણા માંડવાળના નિર્ણયને અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
સિંચાઇ માટે સૌની યોજના તહેત રૂ. રર૭૦ કરોડ અને નર્મદા યોજનાના નેટવર્કને વધુ સુગ્રથિત કરવા નાણાં ફાળવણી સાથે ૮ જેટલા ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના દ્વારા રોજના ૩૭ કરોડ લીટર દરિયાના ખારા પાણીને મીઠું
બનાવવાના પ્લાંટ થયા છે.
તેમણે રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ઊદ્યોગોના ટ્રીટ કરેલા ગંદા પાણીને રૂ. રર૭પ કરોડ રૂપિયાના ખર્ચે
ડીપ-સી પાઇપલાઇન દ્વારા સમૂદ્રમાં છોડવાની યોજના અને રાજ્યમાં કાર્બન છોડતી બસોના સ્થાને શહેરો-નગરોમાં
૭પ૦ ઇલેકટ્રીક બસોના ઉપયોગને ગ્રીન કલીન ગુજરાતની દિશા વર્ણવી હતી.
શહેરોના વિકાસને કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શહેરોમાં ઓવરબ્રીજ અને ગ્રામીણ-
નગરીય વિસ્તારોમાં હાઇવે પર ઓવરબ્રીજ નિર્માણ કરવા સાથે રેલ્વે ક્રોસિંગ પર બ્રીજ બનાવી ફાટક મુકત ગુજરાત,
આધુનિક ગુજરાતની નેમ આ બજેટમાં પડઘાય છે એમ પણ કહ્યું હતું.
ગુજરાતનું આ બજેટ ગરીબ, મધ્યમવર્ગીય અને જરૂરતમંદ પરિવારોને મોટી માંદગી- બિમારીમાં સારવાર માટે આરોગ્ય કવચ પુરૂં પાડશે તેમ જણાવતાં આયુષ્યમાન ભારતની જેમ મા અને મા-વાત્સલ્યના ૬૮ લાખ પરિવારોને પાંચ લાખનું આરોગ્ય રક્ષા છત્ર આપવાની નવી જાહેરાતને પણ સંવેદનશીલ ગણાવી હતી.
તેમણે મા-વાત્સલ્ય યોજનાની આવક મર્યાદામાં પણ ૧ લાખનો વધારો કરી ૩ થી ૪ લાખ કરવાને પરિણામે ૧પ લાખ વધુ પરિવારોને લાભ મળશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતના આ બજેટને સર્વ વર્ગોના વિકાસ સાથે ઉજ્જવળ ગુજરાતનો સુરેખ નકશો કંડારનારૂં બજેટ ગણાવતા આવકાર આપ્યો હતો.