રાજકોટ,તા 27
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચારએ છે કે શહેરમાં ૧૦૨ વર્ષ બાદ મોસમના કુલ વરસાદનો નવો વિક્રમ સ્થાપાયો છે. ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૯ ઈંચ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૯ ઈંચ મધ્ય ઝોનમાં ૫૫ ઈંચ અને પૂર્વ ઝોનમાં ૪૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૧૯૧૭ થી ૨૦૧૯ સુધીના ૧૦૨ વર્ષના સમયગાળામાં અગાઉ સૌથી વધુ વરસાદ ૨૦૧૦ માં ૫૪ ઈંચ નોંધાયો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે.૨૭–૯–૨૦૧૯ની સ્થિતિએ રાજકોટ શહેરમાં મોસમનો કુલ વરસાદ ૫૯ ઈંચ થયો છે. આ સાથે ફાયર બ્રિગેડના રેકોર્ડ અનુસાર મોસમના કુલ વરસાદના ૧૯૧૭ થી ૨૦૧૯ સુધીના છેલ્લા ૧૦૨ વર્ષના તમામ રેકોર્ડ બ્રેક થઈ ગયા છે અને વરસાદનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. રાજકોટ શહેરમાં ત્રણ સ્થળે વરસાદ માપવામાં આવે છે જેમાં ફાયર બ્રિગેડ દ્રારા શહેરના ત્રણેય ઝોનમાં અલગ–અલગ રીતે વરસાદ માપવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. તદઉપરાંત મહાપાલિકાના આઇવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાના સેન્સરમાં પણ વરસાદ નોંધાય છે અને શહેરના એરપોર્ટ સ્થિત વેધર કંટ્રોલમમાં પણ વરસાદ માપવામાં આવે છે.
ગુજરાતી
English




