અમદાવાદ,તા:૨૭ શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે.
અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર્ચે જમ્બો ક્રેઈન આપવામાં આવી હતી, જો કે આ ક્રેઈન ક્યાંય ઉપયોગમાં લેવાઈ જ નથી અને ધૂળ ખાતી જોવા મળી છે. જોવાનું એ છે કે ક્રેઈન આવ્યા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું હતું અને જણાયું હતું કે ક્રેઈનનું સ્ટિયરિંગ લેફ્ટ સાઈડ છે,જે ભારતીય વાહનવ્યવહાર ને અનુરૂપ નથી. આ ઉપરાંત 20 કિ.મી.થી ઉપરની સ્પીડથી ક્રેઈન હંકારી શકાય તેની સ્થિતિ જ નથી.
અસલાલી ખાતે ધૂળ ખાતી ક્રેઈન અમદાવાદ ફાયરબ્રિગેડે આઠ વર્ષ પહેલાં ખરીદી હતી. અમદાવાદની ભૂગોળમાં ક્રેઈનની સ્થિતિની કોઈ ચકાસણી કર્યા વિના જ ક્રેઈન માટે ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો, જેથી હાલમાં લાખોના ખર્ચે વસાવાયેલી ક્રેઈન ધૂળ ખાઈ રહી છે. અમદાવાદ લવાયા બાદ માત્ર એક વખત ક્રેઈનને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ક્રેઈન અમદાવાદને અનુરૂપ ન હોવાથી પાછી મૂકી દેવામાં આવી હતી.
આ જ પ્રમાણે કાંકરિયા કાર્નિવલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે બોટ અને જેટ સ્કીની ખરીદી કરવામાં આવી હતી. જોવાનું એ છે કે કાંકરિયા કાર્નિવલ બાદ આ બોટ અને જેટ સ્કી ક્યાં ગયાં તે અંગે તંત્ર પોતે જ અજાણ છે. ફાયરબ્રિગેડ માટે આ બોટ અને જેટ સ્કી પૂરની અને અન્ય સમસ્યાઓ માટે ઉપયોગી સાબિત થવાની હતી, જે નઘરોળ તંત્રની ઊંઘના પરિણામે ક્યાં છે તે અંગે કોઈ અધિકારી જવાબ આપી શક્યા નહોતા.
અઢી કરોડની ક્રેઈનને રિપેર કરવા 5.50 લાખ ખર્ચાયા
આઠ વર્ષ પહેલાં અઢી કરોડના ખર્ચે લવાયેલી અને માત્ર એક વખત બહાર નીકળેલી જમ્બો ક્રેઈનના રિપેરિંગ પાછળ રૂ.5.50 લાખનો ખર્ચ કરાયો હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યું છે. જોવાનું એ છે કે આ ક્રેઈન અમદાવાદને અનુરૂપ ન હોવા છતાં ખરીદવામાં આવી હતી, અને તેને રિપેર કરવા પાછળનો આશય કોઈને સમજાય તેવો નથી.
અરુણ જેટલીના બજેટમાંથી ખરીદાઈ હતી રબર બોટ
અમપાના ફાયર વિભાગ માટે જે-તે સમયે અરુણ જેટલીના બજેટમાં સાત રબર બોટ ખરીદવામાં આવી હતી. જે પૂર જેવી વિકટ સ્થિતિને ધ્યાને લઈને ખરીદ કરવામાં આવી હતી. જો કે હાલમાં આ બોટ કે તેના એન્જિનની સ્થિતિ અંગે સવાલ કરાતાં તંત્રના અધિકારીએ અજાણ હોવાનું જણાવ્યું હતું.
સેગ-વેની આશ્ચર્યજનક ખરીદી
કાંકરિયા અને રિવરફ્રન્ટ ખાતે આવેલા પર્યટકોને આકર્ષવા માટે ફાયરબ્રિગેડ દ્વારા સેગવેની ખરીદી કરવામાં આવી હતી, જે પર્યટકોને આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જો કે ફાયરના અધિકારીને સેગવેની ખરીદ કિંમત અંગે પૂછવામાં આવતાં કોઈ માહિતી મળી નહોતી. સામાન્ય રીતે સેગવેની કિંમત 10 હજારથી શરૂ કરીને 1.35 લાખ સુધીની જોવા મળતી હોય છે.