અમદાવાદ, તા.10
ચાંગોદર ખાતે આવેલી ફાર્મા કંપનીમાં નોકરી કરતા એન્જીનિયરના બેંક એકાઉન્ટમાંથી બારોબાર 39 જેટલા ટ્રાન્જેકશન થકી 16,766 રૂપિયા ઉપડી જતા સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ જમ્મુના રહેવાસી અને હાલ મકરબા પામગ્રીન ખાતે રહેતા તુષાર વિરચી મટ્ટુ (ઉ.36) ચાંગોદર ખાતે આવેલી બેકસ્ટર ફાર્મા કંપનીમાં સિનિયર પ્રોજેકટ એન્જીનિયર તરીકે નોકરી કરે છે. તુષાર મિટ્ટુ ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં એકાઉન્ટ ધરાવે છે અને બેંકે ડેબિટ કાર્ડ આપેલું છે. ગત ફેબ્રુઆરી મહિનાની અગિયાર તારીખે રાતના સવા દસથી સાડા દસના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સે ઓટીપી નંબર વિના તુષાર મિટ્ટુના બેંક એકાઉન્ટમાંથી 39 જેટલા ટ્રાન્જેકશન કરી ખાતામાંથી કુલ 16,766 રૂપિયા ઉપાડી લીધા હતા. કોઈ પણ રીતે ડેબિટ કાર્ડનો પીન નંબર મેળવી લઈને અજાણ્યા શખ્સે હજારો રૂપિયા ઉપાડી લીધા છે.